મોરબી : મોરબીના હાર્દ સમા ગણાતા નહેરુગેટ પાસે આવેલ ગઢની રાંગ પાસે ઉભરાતી ગટરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગઢની રાંગ પાસે દરરોજ સવાર-સાંજ ગટર ઉભરાય છે અને ગટરના પાણી રસ્તા પર ભરાયેલા રહે છે. આ જગ્યાએ દુકાનો આવી હોવાથી દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહે છે. જેના કારણે લોકોને પણ ગટરના પાણીમાંથી ચાલીને પસાર થવું પડે છે. ગટરના પાણીની દુર્ગંધથી વેપારીઓ અને ખરીદી માટે આવતા લોકો પરેશાન થઈ ગયા છે. આ અંગે રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.