કારખાની ઓરડીઓમાં તપેલાં મોઢે માંસ મળી આવ્યું : ગૌમાંસ છે કે બીજા કોઈ પશુનું માસ, તે જાણવા સેમ્પલ લેવાયા : હળવદમાં કાલે શુક્રવારે વિવિધ સંગઠનો મૌન રેલી યોજી આવેદન આપશેહળવદ : હળવદ જીઆઇડીસીમાં મજૂરો ગૌમાંસ રાંધતા હોવાની શંકાને પગલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ડીવાયએસપી સહિતના અધિકારીઓએ બનાવ સ્થળની મુલાકાત લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ડીવાયએસપી સમીર સારડાએ જાહેર કરેલી વિગતો અનુસાર હળવદ જીઆઇડીસીમાં આવેલ રોશની કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં ધાબા પર મજૂરો દ્વારા ગૌમાંસ રંધાતુ હોવાની જાગૃત નાગરિકને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. અહીંથી અવશેષો પણ મળી આવ્યા હતા. જેથી પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. હાલ આ માસના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ માસ ગૌવંશનું છે કે અન્ય પશુનું તે સામે આવશે. બીજી તરફ પોલીસે મજૂરોની પણ સઘન પૂછપરછ શરૂ કરી છે.બીજી તરફ આ ઘટનાને પગલે હળવદ અસ્મિતા મંચ, વિશ્વ હિન્દુ પરિષદ, હળવદ વેપારી મહામંડળ, હળવદ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો દ્વારા કાલે શુક્રવારે સવારે 10:30 કલાકે શ્રી રામ ગૌશાળાએ એકત્ર થઈ મામલતદાર ઓફિસ અને પોલીસ સ્ટેશન સુધી મૌન રેલી યોજી આવેદન આપવાનું એલાન અપાયું છે.