આઝાદી બાદ પ્રથમવાર આ ગાડા માર્ગને ડામરથી મઢવામાં આવશે : ખેડૂતોમાં ખુશીની લહેરમોરબી : આમરણથી કોઠારિયા ગામ સુધીનો 6 કિમીનો ગાડા માર્ગ આઝાદી પછી રૂ.5 કરોડના ખર્ચે પ્રથમવાર નવો બની રહ્યો છે. આ રોડના કામનું ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ વેળાએ જામનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જેઠાલાલ અઘેરા, હસમુખભાઈ ગામી, તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા, યોગેશભાઈ વાઘડિયા, સરપંચ રમેશભાઈ અઘેરા, મગનભાઈ રૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આમરણથી જોડિયા તાલુકાના કોઠારીયાને જોડતો આ ગાડા માર્ગ બંધ હાલતમાં હતો. ચોમાસામાં તો ખેડૂતોને ખેતરોએ જવામાં પણ ભારે હાલાકી પડતી હતી. અંતે આ રોડનું નિર્માણ કાર્ય થોડા દિવસોમાં શરૂ થવાનું હોય, સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે.