સ્થાનિકોની જિલ્લા કલેક્ટર અને મહાપાલિકાને રજુઆતમોરબી : મોરબીની સુધારા શેરીમાં એકી-બેકી પાર્કિંગનું જાહેરનામું રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ કલેક્ટર અને મહાપાલિકા તંત્રને રજુઆત કરી છે. ઉપરાંત અહીં શેરીની આગળના ભાગે એકી બેકી પાર્કિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું હોય અજાણતા લોકો દંડનો ભોગ બની રહ્યા હોવાનું પણ જણાવાયુ છે.રજૂઆતમાં જણાવાયુ છે કે મોરબીના સરદાર રોડ પર આવેલ સુધારા શેરી કે જેમાં ફાયર સ્ટેશન આવેલ છે. આ ફાયર સ્ટેશન અદ્યતન બનાવવા માટે પાડી નાખવામાં આવ્યું છે. જેને કારણે મહાપાલિકા દ્વારા પાર્કિંગ માટે એકીબેકી તારીખ જાહેર કરી અમલવારી કરાવવામાં આવી છે. આ ફાયર સ્ટેશન નવુ બનાવવામાં ખાસો એવો સમય લાગે તેમ છે. આ દરમિયાન શેરીમાં એકીબેકી પાર્કિંગના જાહેરનામાનો અમલ જાહેર જનતા, સ્થાનિકો અને બેન્કોના કસ્ટમરના હિત ખાતર મોકુફ રાખવાની માંગ છે. બીજુ આ શેરી બંધ શેરી છે એટલે માત્રને માત્ર આ શેરી પુરતો જ વાહન વ્યવહાર સીમીત રહે છે. વળી આજુ બાજુ જાહેર પાર્કીંગની કોઈ વ્યવસ્થા પણ નથી જેથી કરીને આ શેરીમાં આવતા ગ્રાહકોને શેરીમાં જ પોતાના વાહન પાર્ક કરવાના રહે છે.આ જાહેરનામાના કારણે દ્વિચક્રી વાહનોને ૫૦૦-૫૦૦ નો દંડ ભરવો પડે છે તેનું કારણ એ છે કે એકી બેંકી તારીખના પાર્કીંગ દર્શાવતુ સાઈન બોર્ડ હકીકતમાં શેરીના એન્ટ્રન્સમાં હોવુ જોઈએ તે અડધી શેરી પુરી થાય બાદ ફાયર સ્ટેશન પહેલા આવેલ લોહાણા મહાજન વાડી પાસેના થાંભલા પર લગાડવામાં આવેલ છે. આથી શેરીના નાકા પાસે કોઈપણ વ્યકિત સુચના દર્શાવતા બોર્ડના અભાવે પોતાનું વાહન પાર્ક કરી દયે છે અને પરીણામે અજાણતા દંડનો ભોગ બને છે. વધુમાં આ જાહેરનામું માત્ર દ્વિચક્રી વાહનો પુરતુ જ મર્યાદીત છે? બીજુ સરદાર રોડ કે જે નગર દરવાજાથી જુના બસ સ્ટેશન થઈ લાતી પ્લોટ સુધી જાય છે તે રોડ પર એકી બેકી તારીખના પાર્કીંગનું જાહેરનામું હોવા છતાં ત્યાં અમલવારી થતી નથી તો અહીં સખતાઈથી અમલવારી શા માટે ? તેવો રજૂઆતની અંતમાં સવાલ કરવામાં આવ્યો છે.