મંડળી પાસે જીએસટી નંબર જ ન હોવાથી વેરહાઉસે જથ્થો ન સ્વીકાર્યો, ત્રણ દિવસથી ટ્રક ચાલકોનો વેરહાઉસમાં પડાવમોરબી : ભાણવડની મંડળીમાંથી મગફળી ભરીને આવેલા 7 ટ્રક જીએસટી નંબરના વાંકે મોરબીના વેરહાઉસમાં ખાલી ન થઇ રહ્યા હોય, ટ્રકચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મંડળી પાસે જીએસટી નંબર જ ન હોવાથી વેરહાઉસે જથ્થો સ્વીકાર્યો નથી. જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ટ્રક ચાલકો અહીં હેરાન થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ટ્રક ચાલક રાણાભાઈએ જણાવ્યું કે 7 ટ્રકમાં અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ત્રણ પાટિયાથી ટેકાની મગફળી શ્રી સણખલા સેવા સહકારી મંડળી લીમીટેડમાંથી તા.18/1/2026 ના રોજ લોડ કરી હતી. જે અહીં મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલ સેલયો સીરામિકમાં આવેલ વેરહાઉસમા તા.19/1/2026 ના રોજ રાત્રે 1:30 વાગ્યે લઈને પહોંચ્યા હતા. અમારો નંબર તા.20/1/2026ના આવ્યો હતો. ત્યારે વેરહાઉસના BCCFના મેનેજરએ એવું જણાવ્યું કે શ્રી સણખલા સેવા સહકારી મંડળી લીમીટેડ પાસે જીએસટી નંબર નથી. આવું કહી વેરહાઉસમાં મગફળી સ્વીકારવામાં આવી નથી. અમે સહકારી મંડળને જાણ કરી તો ત્યાંથી એવું કહેવામાં આવે છે કે અમે જીએસટી નંબર માટે કંઈક કરીશું. તમે ત્યાં જ રહેજો. છેલ્લા ત્રણ દિવસથી અહીં 7 ટ્રક છે. આ મામલે ભાણવડ મામલતદારને પણ રજુઆત કરી છે. તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે.