છેલ્લા છ મહિનાથી રોડ પર દબાણ સર્જાતા વાહન ચાલકોને ભારે પરેશાની; અવાર નવાર લેખિત મૌખિક રજૂઆત કરાઈમોરબી : મોરબીની અવની ચોકડી પાસે રોડ પર દબાણોના કારણે ટ્રાફિક જામના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ ગયા છે. વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી ઉભી થતી હોય આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. શહેરના અવની ચોકડી પાસે છેલ્લા છ મહિનાથી લારી પાથરણા વાળા રોડ પર આડેધડ પાથરણા પાથરી શાકભાજી, કપડાં સહિતની વસ્તુનો વેપાર કરી રહ્યા હોય, જેથી રોડ પર અતિશય દબાણ સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે સ્થાનિકો, વાહન ચાલકો દ્વારા અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં રોડ ખુલ્લો કરાયો નથી. આ સમસ્યાથી કોઈપણ દુર્ઘટના બને તો મનપા જવાબદાર રહેશે તેવું જણાવી દબાણ હટાવવા માંગ કરી રહ્યા છે. ટ્રાફિક સમસ્યા અંગે કે.બી.પડસુંબીયાએ જણાવ્યું હતું કે રોડ પરથી લારી પાથરણા હટાવવા મુદ્દે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાય છે. પોલીસ તથા કોર્પોરેશન ક્યારેક ક્યારેક આવે છે પરંતુ ફરીથી રાબેતા મુજબ પાથરણા વાળા પોતાનો હક જમાવી બેસી જાય છે. એક બાજુ અહીં ટ્રાફિકની સમસ્યા પહેલેથી જ છે એમાં પણ આ વેપારીઓ અતિ અવ્યવસ્થા ઉભી કરી રહ્યા છે. વાહન ચાલકોને અહીંથી પસાર થવું ભારે મુશ્કેલ થઈ રહ્યું છે. અહીં ખરીદી કરવા આવનાર ગ્રાહક ક્યારેક આવે છે પરંતુ દરરોજ પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.