શતાબ્દી પૂર્વે ટંકારાની ધરા પર આર્ય સમાજનો પાયો નખાયેલો; આગામી 12 અને 13મી ફેબ્રુઆરીએ ઉજવાશે શતાબ્દી મહોત્સવ ટંકારા : ટંકારામાં આર્ય સમાજની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ જ્યારે આ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે આ સંસ્થાના પાયાના પથ્થરો અને તેના ભવ્ય ઇતિહાસને યાદ કરવો પ્રાસંગિક છે.મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા હંમેશાથી આધ્યાત્મિક અને સામાજિક ચેતનાનું કેન્દ્ર રહી છે. જ્યારે ઋષિની જન્મ શતાબ્દીની ઉજવણી થઈ, ત્યારે ટંકારામાં એક કાયમી સ્મારક બનાવવાનો વિચાર વહેતો થયો. મૂર્તિપૂજાના વિરોધ અને ગુરુકુળ કે પાઠશાળાની સ્થાપના જેવા વિવિધ મતો વચ્ચે અંતે સર્વસંમતિ સાધવામાં આવી કે ઋષિના વિચારોને જીવંત રાખવા માટે 'આર્ય સમાજ'ની સ્થાપના એ જ શ્રેષ્ઠ માર્ગ છે. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૨૬વિક્રમ સંવત ૧૯૮૨ની મહાશિવરાત્રીના એ પવિત્ર દિવસે એટલે કે ૧૧ ફેબ્રુઆરી, ૧૯૨૬ના રોજ ટંકારાની ધરા પર આર્ય સમાજનું વિધિવત બીજ રોપાયું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ભારતના દિગ્ગજ આર્ય નેતાઓ બન્યા હતા. જેમાં મુખ્યત્વે શ્રી સ્વામી શ્રદ્ધાનંદજી, શ્રી મહાત્મા નારાયણ સ્વામીજી, શ્રી સ્વામી શંકરાનંદજી, પ્રો.રામદેવજી (આચાર્ય, ગુરુકુલ કાંગરી) આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટંકારાના રહેવાસીઓએ ઋષિ દયાનંદના ક્રાંતિકારી વિચારોને કાયમી સ્વરૂપ આપવાનો સંકલ્પ કર્યો હતો.ટંકારાના સ્થાનિક વૈદ્યરાજ ચતુર્ભુજ શિવજી ત્રિવેદી અને અન્ય કાર્યકરોએ આર્ય સમાજના વિચારોથી પ્રભાવિત થઈને આ સંસ્થાને વેગ આપ્યો. આર્ય સમાજ ટંકારાની પ્રથમ આત્મીય સભાની રચના થઈ. આચાર્ય રેવાલાલ રામચરણ, મંત્રી ચતુર્ભુજ શિવજી ત્રિવેદી, ખજાનચી નારણભાઈ કાનજીભાઈ પીઠવા, સભ્યો ડુંગરશીભાઈ રામજીભાઈ સુથાર, ભલ્લાભાઈ વશરામભાઈ ગઢવી આ એવા મહાનુભાવો હતા જેમણે સંખ્યાબળને બદલે વિચારધારાના બળ પર 'ઘેટાં-બકરાના ટોળા' થી અલગ પડીને સત્યનો માર્ગ પસંદ કર્યો હતો. આર્ય સમાજ ટંકારાનો મુખ્ય ઉદ્દેશ્ય વેદ પ્રચાર રહ્યો છે. સંસ્થાની શરૂઆત સાથે જ ટંકારામાં સાપ્તાહિક-પારિવારિક સત્સંગ, વિવિધ સ્થળોએ સત્સંગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. ઘેર-ઘેર વૈદિક પરંપરા મુજબ યજ્ઞોની શરૂઆત થઈ. સ્વાધ્યાય, ઋષિ પ્રણીત ગ્રંથોના વાંચન અને ચિંતન દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસો થયા હતા.આજે ૧૦૦ વર્ષ પછી આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ટંકારા આર્ય સમાજ માત્ર એક સંસ્થા નથી પણ એક વટવૃક્ષ બની ચૂક્યું છે. જે પાયો વૈદ્યરાજ ચતુર્ભુજભાઈ અને આચાર્ય રેવાલાલજી સહિતના એ નાખ્યો હતો. તે આજે પણ અડીખમ રહીને 'કૃણ્વંતો વિશ્વમાર્યમ્' આર્ય (સમગ્ર વિશ્વને આર્ય શ્રેષ્ઠ બનાવો)ના મંત્રને ગુંજતો રાખી રહ્યો છે. ત્યારબાદ સામજીભાઈ પરમારની સાથે તૈયાર થયેલ હસમુખભાઈ પરમારે ટંકારા માટે કૃણ્વંતો ટંકારા ' આર્યમ્ સુત્ર આપ્યું હતું.