બે દિવસમાં રેતી ચોરી બંધ નહીં થાય તો જનતા રેડની ચીમકી મોરબી : મોરબી તાલુકાના માનસર ગામથી નારણકા તરફ તેમજ વનાળીયા બાજુ મચ્છુ નદીમાંથી વ્યાપકપણે રેતી ચોરી થઈ રહી છે. આ ખનીજ ચોરી અટકાવવા માનસર ગ્રામ પંચાયતે જિલ્લા ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે માનસરથી નારણકા તરફ બે હિટાચી મશીનથી તેમજ માનસરથી વનાળીયા તરફ ચાર હિટાચી મશીનથી વ્યાપક પ્રમાણમાં રાત-દિવસ રેતી ચોરી થઈ રહી છે. જો આ ખનીજ ચોરી બે દિવસમાં બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે. જનતા રેડ દરમિયાન ખનીજ માફિયા સાથે ગ્રામજનોને ઘર્ષણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગની રહેશે તેવું પણ જણાવ્યું છે. અંતે આગામી બે દિવસમાં આ ખનીજ ચોરી કાયમી માટે બંધ કરાવવા જણાવ્યું છે.