મોરબી : તાજેતરમાં વ્યારા (સોનગઢ) ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ બેડમિન્ટનની રાજયકક્ષાની ટુર્નામેન્ટમાં મોરબી સરકારી શાળાના શિક્ષિકા મીતા આર. કાચરોલા એ બ્રોન્ઝ મેડલ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. તેઓ આગામી 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ગોવા ખાતે AICS નેશનલ ટુર્નામેન્ટમાં પણ ભાગ લેવા જઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવી સતત ચેમ્પિયન રહ્યા છે. ઉપરાંત દિલ્લી ખાતે નેશનલ લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવેલ છે. છેલ્લા આઠ વર્ષથી તેઓ બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં તેઓ ગયા વર્ષે દિલ્લી ખાતે સેમી ફાઇનલ સુધી પહોંચ્યા હતા. આગામી કોમનવેલ્થ ગેમ્સ તેમજ ઓલિમ્પિકની યજમાની ભારત કરવા જઈ રહ્યું છે ત્યારે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ન કેવળ વિધાર્થીઓ માટે પરંતુ શિક્ષક ભાઈઓ-બહેનો માટે પણ રમત ગમતના ક્ષેત્રમાં એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની આ સિધ્ધિને સી.આર.સી કો. ઓર્ડીનેટર રાજેશભાઈ ઘોડાસરા, બી.આર.સી. કો.ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા એ બિરદાવી છે અને શિક્ષણ વિભાગ માટે ગૌરવપ્રદ હોવાનું જણાવ્યું છે.