થાનગઢ : થાનગઢ ખાતે આવેલા જોગધ્યાનપુરા આશ્રમ (જોગબાપુ) ખાતે આગામી તારીખ 27 જાન્યુઆરી ને મંગળવારના રોજ ચતુર્થ ધર્મસત્તાક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ જોગધ્યાનપુરા આશ્રમ (ધ્યાનશંકર મુક્તિનારાયણ ભગવાન) યોગસિદ્ધ જોગબાપુ (જોગડુંગરી)ની નિશ્રામાં કરાયું છે. જેમાં મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ- પ્રમુખ, સપ્તર્ષિ પરિષદના અધ્યક્ષ સ્થાને તથા જગદગુરુ સૂર્યાચાર્ય કૃષ્ણદેવજી મહારાજ- ઉપપ્રમુખ, સપ્તર્ષિ પરિષદના સહઅધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી તથા રાષ્ટ્રીય કક્ષાથી પણ સંત મહાપુરુષો ઉપસ્થિત રહેશે.સનાતન ધર્મની ધજા વિશ્વમાં લહેરાય અને સંતોના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવા દિવ્ય ઉદ્દેશ્ય સાથે જોગધ્યાનપુરા આશ્રમ - થાનગઢ દ્વારા 'ધર્મસત્તાક દિવસ' ની ઉજવણી કરી, પૂજ્ય ધર્મગુરુઓના સાનિધ્યમાં ભગવો ધ્વજ લહેરાવાશે. આ પાવન દિવસે સવારે 9 કલાકે ધ્વજારોહણ કરાશે. સવારે 9-30 થી 1-30 સુધી બ્રહ્મર્ષિ સભા યોજાશે. બપોરે 1-30 થી 2-30 સુધી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. તો આ પ્રસંગે સૌ સંત મહાત્માઓ તથા પ્રબુદ્ધ હિન્દુ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.