નમો વનમાં અનુદાન આપવાની મારા પરિવારથી શરૂઆત કરાશે, પછી દાતાઓ પાસેથી સ્વીકારાશે, ત્યાં દિવ્યાંગો, નિરાધાર બાળકો- વડીલો માટે રહેવાની સુવિધા કરાશે : મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જાહેર કર્યો નમો વનનો ભાવિ પ્લાનમોરબી : મોરબી પાંજરાપોળને મકરસંક્રાંતિએ રૂ.1.05 કરોડનું અનુદાન મળ્યું છે. આમાંથી એક પણ રૂપિયો નમો વનમાં વાપરવામાં નહિ આવે. તેના માટે અલગથી આયોજન છે. જે અંદાજે બે મહિના પછી શરૂ કરવામાં આવશે. તેવી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ સ્પષ્ટતા જાહેર કરી છે. તેઓએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે હું મકરસંક્રાતિએ મુંબઇ સારવારમાં હતો. ત્યાથી મે આહવાન કર્યું હતું કે મોરબી પાંજરાપોળને વધારેમાં વધારે દાન આપો. ગયા વર્ષે રૂ.65 લાખનું અનુદાન એકત્ર થયું હતું. આ વખતે રૂ.1.05 કરોડ એકત્ર થયા છે. જેમાં ટ્રસ્ટીઓનો 10 ટકા સહયોગ છે. આ દાનમાંથી એક પણ રૂપિયો નમો વનમાં વપરાશે નહિ. આ તમામ દાન પાંજરાપોળમાં શેડ, ઢોર માટે ડેલા, નીરણ લેવા પાછળ વપરાશે. વધુમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે નમો વન પાંજરાપોળની જમીનમાં બને છે. આજીવન આ જમીન પાંજરાપોળની જ રહેવાની છે. બે મહિના બાદ મારી સારવાર પૂર્ણ થાય પછી દર મહિને 2.5 લાખનું દાન મારા પરિવાર તથા મિત્રમંડળ પાસેથી જમા કરાવીશ. 6 મહિનામાં રૂ.50 લાખ જેટલું ભંડોળ એકત્ર કરી નમોવનનું કામ કરવામાં આવશે. નિરાધાર બાળકો, નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગો માટે અહીં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. અહીં માનવમંદિર બનાવાશે. માત્ર પશુઓની નહિ, માણસોની સેવા થશે. આ કામ આવતા વર્ષથી ચાલુ કરી દેશું.