માનસધામ 1, માનસધામ 2 અને ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરની છેતરપિંડીના કારણે પ્રાથમિક સુવિધાઓ ન હોવાના આક્ષેપમોરબી : મોરબીના પીપળી રોડ ઉપરની 4 સોસાયટીમાં રોડ, ગટર, પાણી, લાઈટ સહિતની સુવિધા ન હોય બિલ્ડરે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પીપળી- જેતપર રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. જેને કારણે વાહનોની લાંબી કતારો લાગી છે. પોલીસ દ્વારા હાલ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીના પીપળી રોડ ઉપર માનસધામ-1, માનસધામ-2, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી આવેલ છે. જેમાં માનસધામ 1 અને 2 સોસાયટીમાં 150 મકાન, ત્રિલોલધામ સોસાયટીમાં 100 જેટલા મકાન અને ગોકુલધામમાં 43 સહિત 400 જેટલા મકાન છે. આ સોસાયટીઓમાં લાઈટ, પાણી, રોડ, ગટર જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે સ્થાનિકોએ તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ કર્યા હતા. પરંતુ કોઈ પરિણામ ન મળતા આજે સ્થાનિકોએ સવારમાં સમયે જ મહત્વના એવા જેતપર-પીપળી રોડ ઉપર જ ચક્કાજામ શરૂ કર્યો છે. આ ચક્કજામને કારણે વાહનોની કતારો જામી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.