મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા લાડલી પાર્ટી પ્લોટની સામેના ખરાબામાં ચાલતા પેપરમીલનો વેસ્ટ કચરો ભરીને જઈ રહેલા ડમ્પરમાંથી કચરો રસ્તા પર ઢોળાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ડમ્પરમાંથી કચરો રસ્તા પર ઢોળાતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ કરનાર જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, લાડલી પાર્ટી પ્લોટ સામેના ખરાબામાં ચાલતી પેપરમીલમાંથી વેસ્ટ કચરો ભરીને જઈ રહેલા ડમ્પર પાછળથી ખુલ્લું હોય તેમાંથી કચરો રસ્તા પર પડી રહ્યો હતો. જેના કારણે રોડ પર કચરાના થર જામી ગયા છે. જેના કારણે વાહનચાલકોને રસ્તા પરથી પસાર થવામાં તકલીફ પડી રહી છે. આ અંગે પેપરમીલ એસોસિએશનને પણ જાણ કરવામાં આવી છે. ઉપરાંત આ અંગે મોરબી મહાનગરપાલિકા કોઈ પગલાં લે તેવી માગ કરવામાં આવી છે.