છેતરપીંડી આચરનાર બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ લેવાની તાલુકા પોલીસે ખાતરી આપતા મામલો થાળે પડ્યોમોરબી : મોરબીમાં જેતપર-પીપળી રોડ ઉપર ચક્કાજામને કારણે બન્ને બાજુ 5-5 કિમિ જેટલો ટ્રાફિકજામ થઈ ગયો છે. તેવામાં તાલુકા પોલીસ દ્વારા છેતરપીંડી આચરનાર બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ લેવાની ખાતરી આપવામાં આવતા મામલે થાળે પડ્યો છે અને સ્થાનિકોએ ચક્કાજામ હટાવી દીધો છે.મોરબીના પીપળી રોડ ઉપર માનસધામ-1, માનસધામ-2, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી આવેલ છે. જેમાં માનસધામ 1 અને 2 સોસાયટીમાં 150 મકાન, ત્રિલોલધામ સોસાયટીમાં 100 જેટલા મકાન અને ગોકુલધામમાં 43 સહિત 400 જેટલા મકાન છે. આ સોસાયટીઓમાં લાઈટ, પાણી, રોડ, ગટર જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલ્ડર દ્વારા પ્લોટના દસ્તાવેજ કરી મકાન આપી છેતરપીંડી આચરવામાં આવી હોય, જેથી પાયાની સુવિધા પણ ન મળી રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.સ્થાનિકોએ આજે પીપળી-જેતપર રોડ ઉપર ચક્કાજામ શરૂ કર્યો હતો. જેને બે કલાકનો સમય થઇ જતા રોડની બન્ને બાજુ 5-5 કિમિ જેટલી વાહનોની કતારો જામી છે. ડીવાયએસપીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો કે સ્થાનિકોએ એવી માંગ કરી છે કે બિલ્ડરને અમારી સમક્ષ હાજર કરો તો જ ચક્કાજામ હટાવીશું. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીએ પણ સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે તાલુકા પોલીસે બિલ્ડર સામે ફરિયાદ લેવાની ખાતરી આપતા સ્થાનિકોએ ચક્કાજામ હટાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાહનોની સંખ્યા એટલી છે કે આ ટ્રાફિક ક્લિયર થતા હજુ કલાકો થઈ જશે.