મોરબી : મોરબીના શનાળા રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવી અને ભાવિકભાઈ ભટ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે પર અકસ્માત નિવારવા તથા ચોકડી પાસે થતા ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે ઉપર અવારનવાર અકસ્માતો થાય છે. તેમજ ટ્રાફિકજામની સમસ્યા રોજબરોજ ઉદ્ભવે છે. વધુ પડતા વાહનોની અવરજવરને લીધે ટ્રાફિકજામ તથા અકસ્માતો થાય છે. ઘણા લોકો રાજકોટ-મોરબી નિયમિત અપ ડાઉન કરતા હોય છે. જેના કારણે ભગડા મામા સર્કલ એટલે કે શકત શનાળા ચોકડી અને બેડી ચોકડી એટલે કે અમદાવાદ બાયપાસ મોરબી તરફ, રાજકોટ જકાતનાકા તરફ, રાજકોટ માધાપર ચોકડી તરફ જતા રસ્તાની ચોકડી પાસે નિયમિત ટ્રાફિક્જામ થાય છે. સવાર અને સાંજે વધુ પ્રમાણમાં ટ્રાફિક હોય છે. ઘણી વખત તો બે-ત્રણ કલાક સુધી જામ રહે છે. આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે બંને ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ બને તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે તેમ છે. તેથી વહેલી તકે ભગડા મામા સર્કલ શનાળા (મોરબી) તથા બેડી ચાર રસ્તા (રાજકોટ) ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.