મોરબી : ગુજરાત અને ભારતની સૌથી જૂની કોલેજમાંની મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજને IITનો દરજ્જો આપીને અપગ્રેડ કરવા બાબતે મોરબીના વતની અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ અસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.કાંતિલાલ બાવરવાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ભારતભરમાં જૂની એન્જિનિયરિંગ કોલેજમાંથી એક અને સૌરાષ્ટ્રની સૌતી જૂની એવી એક માત્ર સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે. મોરબીના મહારાજાએ પોતાનો રાજમહેલ જે નજરબાગ પેલેસ તરીકે ઓળખાતો હતો તે આ કોલેજ બનાવવા માટે આપ્યો હતો. અમારી અનેક રજૂઆતો છતાં નજરબાગ પેલેસનું સમારકામ કરવામાં આવ્યું નથી. તેથી તાત્કાલિક મરામત કરાવવામાં આવે. સાથે જ કોલેજ પાસે ખૂબ જ વિશાળ જગ્યા હોવા છતાં વિદ્યાર્થીઓ અને કોર્સની સંખ્યા ઓછી છે. જેનું કારણ ઓછો સ્ટાફ હોવાનું જણાઈ રહ્યું છે. શું આ કોલેજ કોઈ ખાનગી સંસ્થાને સોંપવાના એજન્ડા સાથે તો કામ નથી થઈ રહ્યું ને ? ત્યારે અમારી માગણી છે કે આ ઐતિહાસિક ધરોહરને જીવતી રાખવા અને તેનો વિકાસ કરવા માટે આ કોલેજને IITનો દરજ્જો આપીને તેનો વિકાસ કરવામાં આવે.