મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આજે તારીખ 16 જાન્યુઆરી થી 18 જાન્યુઆરીના રોજ સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી વિવિધ ત્રણ સ્થાને યોજાશે. આજે તારીખ 16 જાન્યુઆરી ને શુક્રવારે મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-9ની કચેરી (જુની શનાળા ગ્રામ પંચાયત ઓફિસ, મોરબી) ખાતે તેમજ તારીખ 17 જાન્યુઆરી ને શનિવારના રોજ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-10ની કચેરી (જુની રવાપર ગ્રામ પંચાયત ઓફિસ, મોરબી) અને તારીખ 18 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબી મહાનગરપાલિકા સાઈબાબાનું મંદિર રણછોડનગર, વીસીપરા, મોરબી ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પ મેળામાં જે લાભાર્થીઓની વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે, તેઓ નોંધણી કરાવી શકશે. ખાસ કરીને, જે લોકો પાસે શહેરી વિસ્તારમાં ખુલ્લો પ્લોટ છે અથવા જેનું મકાન કાચું, અર્ધકાયું કે જર્જરિત છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. લાભાર્થીઓ જૂનું મકાન પાડીને સરકારના ધારા-ધોરણો અને ગાઈડલાઈન્સ મુજબના નવા આવાસ બાંધકામ માટેના 'ડિમાન્ડ સર્વે'માં પોતાની નોંધણી કરાવી શકશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ના BLC ઘટક અંતર્ગત, નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને રૂ. 4,00,000 (રૂપિયા ચાર લાખ)ની માતબર સહાય મંજૂર કરવામાં આવશે. આ સહાયની રકમ લાભાર્થીને 4 (ચાર) હપ્તાઓમાં મળવાપાત્ર રહેશે. જે બાંધકામના વિવિધ તબક્કામાં ચૂકવવામાં આવશે. આર્થિક સહાયનો આ મોટો હિસ્સો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગુણવત્તાયુક્ત આવાસ બનાવવામાં મોટી રાહત આપશે. તો લોકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.