જાગૃત નાગરિકે દારૂના ધંધાર્થીઓના નામ અને સરનામાં સાથે તાલુકા પીઆઈને કરી ફરિયાદ, થોડા દિવસો માટે નહીં પણ કાયમી માટે અડ્ડાઓ બંધ કરાવવામાં આવે તેવી માંગમોરબી : મોરબીમાં દારૂબંધી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. દારૂની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાની જેમની ફરજ છે તેવા પોલીસ કર્મી પણ દારૂના નશામાં અકસ્માતો સર્જે છે તેવી શરમજનક પરિસ્થિતિ વચ્ચે એક અરજદારે તાલુકા પીઆઈને દારૂના ધંધાર્થીઓની નામ સરનામાં સાથેની યાદી આપી છે. ત્યારે હવે તાલુકા પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેના પર સૌની મીટ મંડરાયેલી છે. તાજેતરમાં જ મોરબી તાલુકા પોલીસના એક કર્મચારીએ દારૂના નશામાં અકસ્માતો સર્જયા હતા. ત્યારે આ જ તાલુકા પોલીસ મથકના પીપળી ગામથી જેતપર રોડ સુધીના વિસ્તારમાં દારૂમાં 11 અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે. આ અંગે ખોડાભાઈ નારણભાઈ નામના અરજદારે તાલુકા પીઆઇને ફરિયાદ કરી છે. જેમાં તેઓએ દારૂના ધંધાર્થીના નામથી લઈ સરનામાં સુધીની વિગતો પણ આપી છે. તેઓના જણાવ્યા અનુસાર આ 11 પોઇન્ટ પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય લોકોને આ પોઈન્ટ આસપાસના વિસ્તારમાંથી નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે તાલુકા પોલીસ આ દારૂના અડ્ડાઓ માત્ર થોડા દિવસો માટે દેખીતી રીતે નહિ પણ કાયમી માટે બંધ કરાવે તેવી માંગ છે.