આ વૃક્ષ રોગ ફેલાવવા ઉપરાંત પાણી સોસી લેતું હોવાથી પ્રતિબંધિત : વૃક્ષ દૂર કરવા મયુર નેચર ક્લબની મ્યુનિ. કમિશનરને રજુઆત મોરબી : મોરબીમાં પ્રતિબંધિત એવા કોનોકાર્પસ વૃક્ષ પાંચ સ્થળોએ આવેલા છે. જે પર્યાવરણને અને લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે આ વૃક્ષને તાત્કાલિક હટાવવામાં આવે તેવી માંગ સાથે મયુર નેચર ક્લબ દ્વારા મ્યુનિ. કમિશનરને રજુઆત કરવામાં આવી છે. મયુર નેચર ક્લબના જીતુભાઈ ઠકકરે રજુઆતમાં જણાવ્યું છે કે આમ તો દરેક વૃક્ષ માનવજાતને કોઈને કોઈ ફાયદો આપતું જ હોય છે પરંતુ કેટલાક વૃક્ષો માનવ વસાહતમાં આરોગ્ય અને જમીન ફળદ્રુપતાની દૃષ્ટિએ નુકશાનકર્તા હોય છે એમાંનું એક વૃક્ષ એટલે કોનોકાર્પસ. કહેવાય છે કે કોનોકાર્પસનાં મૂળ જમીનમાં ૫૦૦ મીટર દૂર પણ પાણીનો સોસોં હોય તો ત્યાં પહોંચી જાય છે અને પાણી શોષી લે છે. સંશોધનનો અહેવાલ પ્રમાણે કોનોકાર્પસમાં શિયાળાની ઋતુમાં આવતાં ફૂલોના પરાગરજકોના કારણે શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા રોગો થવાની શક્યતા રહે છે. જ્યારે આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી જવાના કારણે સંદેશા વ્યવહારના કેબલ, ડ્રેનજ લાઇન, ઘરવપરાશના પાણીની લાઇનને નુકશાન પહોંચાડે છે. કોનોકાર્પસની આ સ્થિતિના કારણે વન વિભાગે વન વિભાગની નર્સરીઓમાં રોપા ઉછેર પર પ્રતિબંધ મુકવાની સાથે તેના રોપવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.આમ છતાં, હાલ આપણાં શહેર મોરબીમાં અલગ અલગ જગ્યાએ આ વૃક્ષોનું અસ્તિત્વ જોવામાં આવી રહ્યું છે. હાલમાં સુરજબાગમાં ત્રણ અને અયોધ્યાપુરી મેઈન રોડ પર આવા બે વૃક્ષ લાગેલા છે ત્યારે લગત વિભાગને સુચન આપીને વહેલી તકે આ વૃક્ષોને દૂર કરાવી દેવા જોઈએ એવી મોરબી મયુર નેચર કલબની માંગ છે.