એકાદ મહિનાની અંદર એફએસએલમાંથી રિપોર્ટ આવશે ત્યારબાદ માલુમ પડશે નશો કર્યો હતો કે નહીં : ઉપરી કક્ષાએથી શિક્ષાત્મક પગલાં પણ લેવા હવે રિપોર્ટ કરાશે મોરબી : મોરબીના ધરમપુર રોડ ઉપર લોકોના કહેવા મુજબ પીધેલી હાલતમાં પોલીસ વાન લઈને નીકળીને પોલીસકર્મીએ રીક્ષા સહિતના વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં પોલીસ તંત્ર દ્વારા પોલીસ કર્મી સામે માત્ર અકસ્માતનો ગુન્હો નોંધ્યા બાદ તેની ધરપકડ કરવાની જગ્યાએ માત્ર નોટિસ અપાઈ છે. સાથે બ્લડ સેમ્પલ લઈ તેને એફએસએલમાં મોકલી દેવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત સોમવારે રાત્રીના મોરબીના ધરમપુર રોડ ઉપર પોલીસવાન લઈને જતા અજયભાઈ લાવડીયા નામના પોલીસકર્મીએ રીક્ષા સહિતના વાહનોને હડફેટે લઈ અકસ્માત સર્જ્યા હતા. આ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનું ત્યાં એકત્ર થયેલા લોકોએ જણાવ્યું હતું. આ અકસ્માત મામલે રિક્ષાચાલક જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે માત્ર અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. આ બનાવની તપાસ તાલુકા પીઆઈ ચારેલને સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે 112 વાનના ચાલકને નોટિસ આપી છે. 3 વર્ષથી ઑછી સજામાં અટકાયતની બદલે નોટિસ આપવાની હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું કેબ્લડ સેમ્પલ લેવાય ગયું છે. એફએસએલમાં મોકલ્યું છે. અંદાજે 15 દિવસથી 1 મહિનામાં રિપોર્ટ આવતો હોય છે. ત્યારબાદ માલુમ પડશે કે નશો કર્યો હતો કે નહીં. વધુમાં તેઓએ ઉમેર્યું કે અમે રિપોર્ટ ઉપરી કક્ષાએ આપીશું. જ્યાંથી શિક્ષાત્મક કાર્યવાહી થશે.આ સાથે પોલીસની આ કેસમાં કાર્યવાહીથી અમુક સવાલો પણ ઉઠી રહ્યાં છે. જેમાં પોલીસવાન બેફિકરાઈથી ચલાવી અકસ્માતો સર્જનાર પોલીસ કર્મી સામે આટલા ગંભીર બનાવમાં અટકાયતના પગલાંની જગ્યાએ માત્ર નોટિસ જ કેમ અપાઈ ? ઉપરાંત સામાન્ય વ્યક્તિ પીધેલી હાલતમાં પકડાઈ તો સિવિલમાં બ્લડ સેમ્પલ લઈ તેના રિપોર્ટના આધારે પ્રોહીબ્રિશનનો ગુનાહો નોંધાય છે તો આ કેસમાં કેમ બ્લડ સેમ્પલ એફએસસેલમાં મોકલવામાં આવ્યા ? તેમજ સામાન્ય બનાવમાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો જાહેર કરતી પોલીસે આવા ગંભીર બનાવમાં કેમ કોઈ વિગતો જાહેર ન કરી ? આવા સવાલો સાથે લોકોમાં ચર્ચા ઉઠીએ છે શું આ કેસમાં તટસ્થ કાર્યવાહી થશે કે કેમ ?