વાંકાનેર: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરની કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વડોદરા ખાતે 'મધ્ય ઝોન પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી, વડોદરા દ્વારા સંચાલિત આ સ્પર્ધા 10 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાની ઉર્મિ સ્કૂલ ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની વઘાસિયા પ્રાથમિક શાળામાં ધોરણ-5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માથકિયા મેહવિસએ મધ્ય ઝોનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. વક્તૃત્વ સ્પર્ધા (વિભાગ-અ) માં મેહવિસે મેળવેલી આ ઝળહળતી સફળતાને કારણે તેણે માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ વઘાસિયા શાળા, વાંકાનેર તાલુકા અને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ હવે મેહવિસ માથકિયા આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં સમગ્ર મધ્ય ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.