કર્તવ્ય જીવદયા કેન્દ્ર 9 કલેક્શન સેન્ટર અને બે સારવાર કેન્દ્ર સતત ધમધમતા રહ્યા : અનેક ઘાયલ પક્ષીઓની સારવાર હજુ ચાલુ : 100 કાર્યકર્તાઓ અને 10 ડોકટરોની ટીમ જીવદયાના કાર્યમાં ખડેપગે મોરબી : મોરબીમાં મકરસંક્રાંતિએ ઘાયલ પક્ષીઓની સારવાર માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્તવ્ય જીવદયા કેન્દ્ર સજ્જ રહ્યું છે. મકરસંક્રાંતિના દિવસે શહેરમાં 72 પક્ષીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમાંથી 12 પક્ષીએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રવાપર ચોકડી, અવની ચોકડી, સુપર માર્કેટ સામે, નજરબાગ સ્ટેશન પાસે, નાની કેનાલ રોડ નાકે, નવલખી રોડ , સેન્ટ મેરી સ્કૂલ પાસે કલેક્શન સેન્ટર કાર્યરત છે. બે સ્થળોએ સારવાર કેન્દ્રો કાર્યરત છે. જેમાં તા.13, 14 અને 15 જાન્યુઆરીએ રવાપર રોડ પર પટેલ મેડિકલ સામે તથા તા.14 જાન્યુઆરીએ મહારાણા પ્રતાપ સર્કલ પાસે સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું હતું. કુલ 100 કાર્યકર્તાઓ અને 10 ડોક્ટરની ટીમ આ જીવદયાના કાર્યમાં ખડેપગે રહ્યા છે. તા.13એ 15 પક્ષી ઘાયલ થયા હતા. જ્યારે ઉત્તરાયણે 72 પક્ષીઓ ઘાયલ થયા હતા.તેમાંથી 12 પક્ષીઓના જીવ બચાવી શકાયા નથી. એક બંગલો પણ ઘાયલ અવસ્થામાં આવ્યો હતો તે હાલ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પતંગો ઓછી ઉડવાના કારણે તેમજ લોકોમાં જાગૃતિ આવવાના કારણે દર વર્ષની સાપેક્ષે ઓછા પક્ષીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.