ત્રણ શખ્સોની ધરપકડ, મોરબીના બે સહિત અન્ય 5 શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈટંકારા : ટંકારા પોલીસે છતર જીઆઇડીસીમાં આવેલ એક ગોડાઉનમાંથી દરોડો પાડીને અધધધ રૂ.92 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મોરબીના બે સહિત અન્ય 5 શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પીઆઇ કે.એમ.છાસિયાની સર્વેલન્સ ટિમ ગઈકાલે રાત્રીના નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે ટીમે છતર જીઆઇડીસીમાં જલારામ પ્લાસ્ટીક નામના ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરના ગોડાઉનમાં રેડ પાડી હતી. આ ગોડાઉનમાથી ૯૮૮ પેટી એટલે કે રૂ.૯૨ લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે કન્ટેનર ટ્રેઇલર અને બોલેરો પીકઅપ સહિત કુલ રૂ.૧.૧૭ કરોડના મુદામાલ સાથે સ્થળ પરથી કમલેશ બાપુલાલ વડેરા રહે. જોલાવટ (રાજસ્થાન), જીતમાલ કાલીયા કટારા રહે. રતનપુરા નોગામા (રાજસ્થાન) અને નાનીલાલ વાલીયા સીગાડા રહે. જાંબુડી (રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યા હતા..આ ગોડાઉન મોરબીના પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા ભાડેથી રાખી બીજા રાજ્યમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. ટંકારા પોલીસે કેહરારામ હરખારામ રહે. સેવરો કા બાસ (રાજસ્થાન), પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી, માણસુરભાઇ દેવદાનભાઈ ડાંગર રહે મોરબી, બોલેરો પીકઅપ નો ચાલક રાજુરામ રહે. રાજસ્થાન અને ટ્રક ટેઇલરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર શખ્સ મળી કુલ 5 શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.જાણવા મળતી વિગત અનુસાર આ પ્રકરણમાં સંડોવાયેલ માણસુર ડાંગર પોલીસ કર્મી છે. જે તે સમયે મોરબી એસઓજીમાં ફરજ બજાવતા હતા. હાલ રજા ઉપર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા, ટંકારા પીઆઇ કે.એમ.છાસીયા, પીએસઆઈ એસ.એન.સગારકા તથા ટંકારા પોલીસનો સ્ટાફ રોકાયેલ હતો.