વે-બ્રિજના સંચાલકો સાથે વાતચીત કરીને ભાવ વધારો અટકાવી દેવાયો, જૂનો ભાવ જ લાગુ રહેશે- પોર્ટ અધિકારી મિશ્રાવે-બ્રિજનો જૂનો ભાવ રૂ.350 છે, અમારી માંગ ભાવ રૂ.250 કરવાની છે, અમારી માંગ હજુ સ્વીકારાય નથી એટલે ફરી આંદોલન કરીશું : એસો.પ્રમુખમોરબી : વે-બ્રિજના ભાવ વધારા અને અન્ય પડતર પ્રશ્નોને લઈને આજરોજ નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પીપળીયા ચાર રસ્તા પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જો કે આખરે એસોસિએશને આજે ચક્કાજામ હટાવી દીધો છે. પરંતુ ગુરૂવારે ફરી આંદોલન કરવાનું પણ એલાન આપ્યું છે.આજે સાંજે પોલીસની મધ્યસ્થી બાદ નવલખી પોર્ટના અધિકારી મિશ્રા પીપળીયા ચાર રસ્તે પહોંચ્યા હતા. જ્યાં એસોસિએશન સાથે વાતચીત કરીન હતી. જેમાં નવલખી પોર્ટના અધિકારી મિશ્રાએ જણાવ્યું હતું કે, વે-બ્રિજના જે ભાવ વધારાનો પ્રશ્ન છે તેમાં આગામી 15 તારીખથી વે-બ્રિજના ભાવમાં વધારો થવાનો હતો. તે વે-બ્રિજના સંચાલકો સાથે વાતચીત કરીને આ વધારો અટકાવી દેવામાં આવ્યો છે અને જુના ભાવ જ લાગુ રાખવામાં આવ્યા છે. બે-ત્રણ વરસથી જે જૂનો ભાવ ચાલી રહ્યો છે તે જ ભાવ લાગુ રહેશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય જે રોડ રસ્તા અને પાણી સહિતના જે પડતર પ્રશ્નો છે તે પણ ટૂંક જ સમયમાં નિરાકરણ કરવામાં આવશે અને જે પ્રશ્નોનું ઉચ્ચકક્ષાએથી નિરાકરણ કરવાનું હશે તે પણ કરી દેવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું. બીજી તરફ ટ્રાન્સપોર્ટરોએ પીપળીયા ચાર રસ્તા પરથી ચક્કાજામ હટાવ્યો હતો. પોલીસને સમગ્ર ટ્રાફિક પૂર્વવત કરાવતા આશરે એક કલાક જેટલો સમય લાગ્યો હતો. વધુમાં એસોસિએશનના પ્રમુખ રમેશભાઈએ જણાવ્યું કે અધિકારીએ જૂનો ભાવ યથાવત રાખવામાં આવશે તેવું કહ્યું છે. જૂનો ભાવ રૂ.350 છે પણ અમારી માંગ ભાવ રૂ.250 કરવાની છે. આવતીકાલે તહેવાર છે. એટલે ગુરૂવારે અમે ફરી આંદોલન કરીશું તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.