આરોપી પોલીસ કર્મી હાલ ક્યાં સારવારમાં છે તે અંગે તપાસ અધિકારીને ખ્યાલ નથી, તે સરકારી વાહન લઈ રાત્રે ક્યાં જઈ રહ્યો હતો તે અંગે થાણા અધિકારીને ખ્યાલ નથી : દાખલારૂપ કાર્યવાહી થશે કે નહીં તે મોટો સવાલમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પોલીસ વડાને ફોન કરી પોલીસ કર્મી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા આપી સૂચના મોરબી : મોરબીના ધરમપુર રોડ ઉપર પીધેલી હાલતમાં પોલીસ વાન લઈને નીકળેલા પોલીસકર્મીએ રીક્ષા સહિતના વાહનો સાથે અકસ્માત સર્જયાના બનાવને પોલીસ હજુ હળવાશથી લઈ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. તપાસ અધિકારીને હાલ આરોપી પોલીસ કર્મી ક્યાં સારવારમાં છે તે અંગે ખ્યાલ નથી. આરોપી પોલીસ સરકારી વાહન લઈ રાત્રે ક્યાં જઈ રહ્યો હતો તે અંગે થાણા અધિકારીને ખ્યાલ નથી. ઉપરાંત હજુ માત્ર અકસ્માતનો જ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે મંત્રી કાંતિલાલે કડક કાર્યવાહીની સૂચના આપ્યાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રીના મોરબીના ધરમપુર રોડ ઉપર પોલીસવાન લઈને જતા એક પોલીસકર્મીએ રીક્ષા સહિતના વાહનોને હડફેટે લઈ અકસ્માત સર્જ્યા હતા. આ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનું ત્યાં એકત્ર થયેલા લોકોએ જણાવ્યું હતું. આ અકસ્માત મામલે રિક્ષાચાલક જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ તેમની દિકરીઓ તથા પાડોશમાં રહેતા છોકરા-છોકરીઓ જે ધરમપુર રોડ પર બાયપાસ પાસે આવેલ બીન્કા પાણીના કારખાનામાં જતી હોય તેને લેવા માટે ગયા હતા. તેઓ સીએનજી રીક્ષા રજી નં. GJ 36 W 4462 માં બધાને બેસાડી ઘરે પરત આવતા હતા. ત્યારે ધરમપુર રોડ પર લાભ નગર પહેલા રોડની ગોળાઈ ઉપર પહોંચતા સામેથી ફુલ સ્પીડમાં આવતી 112 જનરક્ષક પોલીસ વાનના ચાલકે હડફેટે લીધી હતી. સાથે પાછળ આવતી ઇકો સ્પોર્ટ કાર રજી GJ 03 JR 7676 ને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ દીકરી તથા અમારા પાડોશી દીકરા-દીકરીઓને ઇજા પહોંચી હતી. આ દરમીયાન પોલીસ જનરક્ષક વાનના ચાલક નિચે ઉતરતા નશો કરેલ હાલતામાં લાગતા હતા. જનરક્ષક વાનના રજી નં GJ 36 G 0193 હતા. આ અકસ્માતમાં અન્ય લોકોને સામાન્ય ઇજા તથા દીકરી જયશ્રી અને મિતલને જમણા પગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ થઈ છે. પારૂબેન તથા સોનુભાઈ યાદયને શરીરે છોલાયું છે. મળતી માહિતી પ્રમાણે આરોપી પોલીસ કર્મીનું નામ અજયભાઈ લાવડીયા છે. જેઓ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રીક્ષા ચાલકની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે ગુનો નોંધ્યો છે. પરંતુ એફઆઇઆરમાં પોલીસ કર્મીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તપાસ કરનાર અધિકારી પીએસઆઈ સિંધવે જણાવ્યું કે ડ્રાઇવર મોરબી તાલુકાના છે. વેજીટેબલ રોડથી ધરમપુર તરફ જતા હતા. પીધેલી હાલતમાં હોવાનું લોકો કહેતા હતા. તેમની અટકાયત બાકી છે. હોસ્પિટલ દાખલ છે તે ખ્યાલ નથી. જો કે વાસ્તવિકતા એ છે કે અકસ્માત સર્જાયા બાદ બીજી પોલીસ વાન આવી હતી. આરોપી પોલીસ કર્મીને પહેલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી સારવાર શરૂ થાય તે પહેલાં જ કોઈ કારણોસર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વધુમાં થાણા અધિકારી એવા તાલુકા પીઆઈ સાથે વાત કરતા તેઓને આ પોલીસકર્મી કઈ જગ્યાએ જતો હતો તે વિશે ખ્યાલ નથી. તેમની સામે ખાતાકીય પગલાં શુ લેવાશે તેવું પૂછતાં તેમને ડીવાયએસપી પગલાં લેશે તેવું કહ્યું હતું.આ અંગે મંત્રી કાંતિલાલ અમૃતિયા જેઓ હાલ સારવારમાં છે તેઓએ હોસ્પિટલેથી જિલ્લા પોલીસ વડાને ફોન કર્યો હતો. જેમાં તેઓએ આ પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જિલ્લા પોલીસ વડા શુ એક્શન લ્યે છે તે જોવું રહ્યું.