વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આયોજીત સીરામીક સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં કુલ રૂ.1460 કરોડના એમઓયુ થયામોરબી : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં “સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત- ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ.૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. જેમાં મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ અને બ્લુઝોન વિટ્રીફાઇડ ગ્રુપના ચેરમેન મનોજભાઇ એરવાડીયાએ પણ રાજ્ય સરકાર સાથે રૂ. ૨૦૦ કરોડના એમઓયુ સાઈન કર્યા છે.મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સીરામીક ઉદ્યોગની તાકાત તેની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સીરામીક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સીરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. વૈશ્વિક બજારમાં ઊભી થયેલી સિરામિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે સીરામીક ઉદ્યોગે સતત અને સખત સંશોધનો પર વિશેષ ભાર મૂકવો પડશે. ઉચ્ચ કક્ષાના ગુણવત્તા નિયમન પ્રત્યે સીરામીક ઉધોગોએ આંખ આડા કાન કરવા નહીં ચાલે. વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે, ” વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત સૌરાષ્ટ્ર”ની શરૂઆત “વિકસિત મોરબી” થી કરવા માટે બધા કટિબદ્ધ બનીએ, તેઓ અનુરોધ મંત્રી ગોયલે ઉપસ્થિતોને કર્યો હતો.આ સેમિનારમાં રાજ્ય સરકાર અને મોરબીના સિરામિક ઉદ્યોગો વચ્ચે રૂપિયા 1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને મોરબી સીરામીક ઉદ્યોગના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.