રૂ.2થી લઈ રૂ.500 સુધીની પતંગ અને રૂ.10થી લઈ 3000 સુધીની ફીરકી : સીરામીક નગરીમાં ખંભાતી અને બરેલી પતંગની ખાસ ડિમાન્ડમોરબી : સિરામિક નગરી મોરબીમાં તમામ તહેવારો ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવાઇ છે ત્યારે આગામી મકરસંક્રાંતિ પર્વની ઉજવણીને લઈ મોરબીની માર્કેટમાં ખરીદીનો માહોલ ગરમ બન્યો છે. હાલમાં મોરબીની બજારમાં રૂ.2થી લઈ રૂ.500 સુધીની પતંગ અને રૂ.10થી લઈ 3000 સુધીની ફીરકી વેચાણ થઈ રહી છે. ખાસ કરીને મોરબીના લોકો બરેલી અને ખંભાતી પતંગ વધુ પસંદ કરી રહ્યા છે.મયુરનગરી મોરબીમાં ઉત્તરાયણ પર્વને લઈ પતંગ બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે. જો કે, થોડા દિવસથી મોરબીની બજારમાં પતંગ અને દોરનું આગમન થયું છે મોરબીના વેપારીઓના જણાવ્યા મુજબ હવે મકરસંક્રાંતિ આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય પતંગ, દોર, બ્યુગલસ સહિતની વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકો આવી રહ્યા છે. મોરબીની બજારમાં હાલમાં રૂ.2થી લઈ રૂ.500 સુધીની પતંગ અને રૂ.10થી લઈ 3000 સુધીની ફીરકીની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે.એક અંદાજ મુજબ મોરબીમાં દર વર્ષે પાંચેક કરોડના પતંગ અને દોરાનું વેચાણ થાય છે.પતંગ અને દોરાના ભાવમાં 20થી 25 ટકાનો ભાવ વધારો : દિપકભાઈ પોપટમોરબીના પતંગ દોરના હોલસેલ વેપારી દીપકભાઈ પોપટના જણાવ્યા મુજબ રવિવારથી બજારમાં સારી એવી ઘરાકી નીકળી છે આ વર્ષે પતંગના ભાવમાં 20 ટકા અને દોરાના ભાવમાં 25થી 30 ટકાનો ભાવ વધારો છે. બજારમાં હાલમાં 300 પ્રકારની પતંગની વેરાયટી તેમજ દોરામા બ્લેક ટાઇગર, મુર્ગા, સત્યમ તેમજ શિવમ બ્રાન્ડના દોરા વધુ વેચાણ થઈ રહ્યા છે.પતંગ અને દોરાનું 5 કરોડનું ટર્નઓવરમોરબીમાં પતંગ દોરાના વેપારી મનીષભાઈ પટેલના જણાવ્યા મુજબ મોરબીમાં પતંગ - દોરાનું ખૂબ સારું માર્કેટ છે.શિવમ અને આરડી જેવા દોરની ખૂબ જ ડિમાન્ડ છે. મોરબીમાં દર વર્ષે 5 કરોડ રૂપિયાના પતંગ દોરાનું વેચાણ થાય છે. આ વર્ષે પણ પતંગ દોરનું માર્કેટ ખૂબ સારું હોવાનું તેમને જણાવ્યું હતું.શેરડી - જીંજરા ટન મોઢે ખવાશેમોરબીમાં મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે લોકો ચીકી, તલ - મમરાના લાડુની સાથે જીંજરા અને શેરડી પણ ખૂબ ખાય છે.મોરબીના વેપારી રામજીભાઈના જણાવ્યા મુજબ આ વર્ષે 7થી 8 હજાર મણ શેરડી અને 700થી 800 મણ જીંજરા ખવાઈ જશે.હાલમાં જીંજરા પ્રતિ કિલોના 80 રૂપિયા ભાવે વેચાણ થઈ રહ્યું છે. સાથે જ તેમને મકરસંક્રાંતિ બાદ જીંજરાના ભાવમાં ઘટાડો થશે.ઉત્તરાયણના પર્વે વીજ અકસ્માત ન સર્જાય તે માટે તકેદારી રાખવા PGVCLની અપીલવીજ વાયર ઉપર ફસાયેલી પતંગ લેવા પ્રયાસ ન કરવા પીજીવીસીએલનો અનુરોધ પતંગોના પર્વમાં વીજ અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધુ હોય મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ લોકોને અપીલ કરી ખુલ્લા વીજળીના તારને નહિ અડકવા, પતંગ લેવા લંગર નહિ નાખવા અપીલ કરી છે. સાથે જ ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ નહિ કરવા અનુરોધ કર્યો છે.