રાજ્ય મંત્રી અને પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયા તરફથી મોરબી પાંજરાપોળ માટે 1 લાખનું વ્યક્તિગત દાન અને 5 મોટી ટ્રક ભરીને ઘાસ અર્પણમોરબી : મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી તેમજ મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિલાલ અમૃતિયાએ મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે મુંબઈથી એક ખાસ વિડિયો સંદેશ જાહેર કર્યો છે. હાલમાં મુંબઈ ખાતે સારવાર લઈ રહેલા મંત્રીએ પોતાની ગેરહાજરીમાં પણ મોરબીના નાગરિકોને પાંજરાપોળના પશુઓની સેવા માટે ઉદાર હાથે દાન આપવા હાર્દિક અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે નાનપણથી જ આપણે ઉત્તરાયણ પર દાનનું મહત્વ જોતા આવ્યા છીએ, જ્યાં વડીલો દ્વારા ગાયોને દાન આપવાની પરંપરા રહી છે.પશુસેવાના આ કાર્યમાં પોતે ઉદાહરણ પૂરું પાડતા કાંતિલાલ અમૃતિયાએ મોરબી પાંજરાપોળ માટે 1 લાખનું વ્યક્તિગત દાન અને 5 મોટી ટ્રક ભરીને ઘાસ અર્પણ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ પાંજરાપોળના અન્ય ટ્રસ્ટીઓએ પણ પશુઓના નિભાવ માટે એક-એક લાખ રૂપિયાનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. મંત્રીએ મોરબીના ભાઈઓ-બહેનોને અપીલ કરી છે કે જ્યાં પણ પાંજરાપોળના સ્ટોલ કે સ્ટેન્ડ હોય, ત્યાં પોતાની શક્તિ મુજબ વર્ષમાં એકવાર અવશ્ય દાન આપવું જોઈએ.મોરબી પાંજરાપોળની કામગીરી પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદની મદદથી કચ્છ, જામનગર અને રાજકોટથી કતલખાને લઈ જવામાં આવતા અસંખ્ય પશુઓને બચાવીને અહીં આશરો આપવામાં આવે છે. હાલમાં પાંજરાપોળમાં આશરે 25,000 પશુઓ રહી શકે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે વધતા જતા પશુઓના નિભાવ માટે 1500 વીઘા જમીનમાં ઘાસ અને જંગલની સુવિધા પણ ઊભી કરાઈ છે. તેમનું લક્ષ્ય છે કે આગામી સમયમાં મોરબી પાંજરાપોળ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતમાં પશુસેવા ક્ષેત્રે નંબર વન સંસ્થા બને.