આનાથી એસિડોસીસની સમસ્યા ઉભી થઇ શકે, લોકોને તકેદારી રાખવા પશુપાલન અધિકારીની અપીલમોરબી : મકરસંક્રાંતિના પર્વમાં દાન-પૂણ્યનું પણ અનેરું મહત્વ હોય છે. લોકો ગાય અને પશુઓને ઘાસચારો ખવડાવી પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પરંતુ ગૌ-માતાને એક સાથે વધુ પ્રમાણમાં ઘાસચારો કે ઘૂઘરી ખવડાવવાથી તે ગૌ-માતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ અંગે મોરબી જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા લોકોને જરૂરી અપીલ કરવામાં આવી છે.જિલ્લા પશુપાલન અધિકારી ફળદુએ આ મકરસંક્રાંતિ પર્વમાં પશુઓને ઘૂઘરી અને ઘાસચારો વધુ પ્રમાણમાં ન ખવડાવવા લોકોને અને પશુપાલકોને અપીલ કરી છે. કેમ કે વધુ પ્રમાણમાં ઘૂઘરી અને લીલો ઘાસચારો મળવાથી પશુને એસિડોસીસ રોગ થાય છે. જેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. જેથી એક સાથે એક જ દિવસે પશુઓને ઘૂઘરી કે ઘાસચારો ન આપવા અથવા તો ગૌ શાળાને આપવા જણાવાયું છે. જો પશુઓને વધુ પ્રમાણમાં ઘૂઘરી કે ઘાસચારો ખવડાવવામાં આવે તો શરૂઆતમાં પશુઓને આફરો ચડે છે. પછી અનાજનું પાચન થાય એટલે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને એસિડ થાય અને એસિડ લોહીમાં ભળે એટલે એસિડોસીસની સમસ્યા ઉભી થાય છે.