વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અમલી, નિયમોનું પાલન ન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂટંકારા : ટંકારા નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ-275 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને નગરપાલિકાએ 'સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ' અને 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ' માટેના નવા કડક પેટા-નિયમો (બાયલોઝ) 2025ને આખરી મંજૂરી આપી દીધી છે. નગરપાલિકા દ્વારા આ નિયમો અંગેનો મુસદો તૈયાર કરી 15 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને જનતા પાસેથી 15 દિવસમાં વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. નિયત સમય મર્યાદામાં કોઈ પણ પ્રકારના વાંધા કે સૂચનો ન મળતા, વહીવટદાર દ્વારા ઠરાવ નંબર 20-એ થી આ નિયમોને કોઈપણ સુધારા વગર આખરી મંજૂર કરવામાં આવ્યા છે. સમગ્ર ટંકારા નગરપાલિકા વિસ્તારમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ નિયમો તમામ રહેણાક અને બિન-રહેણાક મિલકતો, સરકારી કચેરીઓ, સંસ્થાઓ, ખાનગી તેમજ ખુલ્લી જગ્યાઓ, વેપારીઓ અને ફેરિયાઓને સમાન રીતે લાગુ પડશે.નિયમો મુજબ નિયત ધોરણો (PWM Rules 2016) મુજબ ન હોય તેવી પ્લાસ્ટિકની કેરી બેગ્સ અને ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કચરો ઉત્પન્ન કરનાર તમામ વ્યક્તિઓ કે સંસ્થાઓએ પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો કરવો પડશે અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું પડશે. નવા નિયમોના ઉલ્લંઘન બદલ કચરો ઉત્પન્ન કરનારાઓ પર દંડ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કચરાના સંગ્રહ અને પરિવહન માટે 'યૂઝર ફી' પણ લેવામાં આવશે. ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા અને વહીવટદાર પી.એન. ગોર દ્વારા જાહેર જનતાને આ નવા પર્યાવરણલક્ષી નિયમોનું પાલન કરવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.