વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ કુશો ગ્રેનિટો નામની સિરામિક ફેકટરીમાં થયેલી તોડફોડ અને મશીનરી સહિતની વસ્તુઓ સાથે લઈ જવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર પોલીસે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. બનાવની વિગત જણાવતા ડીવાયએસપી એસ.એચ. સારડાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ બપોરે 2 થી 5-30 વાગ્યાની વચ્ચે વાંકાનેરમાં આનંદ રમેશભાઈ વાઘડીયાના કારખાનામાં તોડફોડ કરી કેટલીક વસ્તુઓ સાથે લઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં આનંદભાઈ રમેશભાઈ વાઘડીયાના કારખાનાના ભાગીદાર ભીષ્મભાઈ પાંડે અને શશીકાંતભાઈને અન્ય ભાગીદાર આનંદ કૈલા નામના વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય બંધ રહેલા કારખાનામાં ઘુસી જઈ તોડફોડ કરી હતી અને અમુક વસ્તુઓ સાથે લઈ ગયા હતા. ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ અને બીજા આઠ-દસ ભાડુતી માણસો રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ આ મામલે ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, શશીકાંતભાઈ અને અન્ય 7 શખ્સો સહિત કુલ 10ની ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ કરાયેલા આરોપીઓમાં (1) ભીષ્મ રાજવલી પાંડે (2) પ્રકાશભાઈ કાનાભાઈ સરૈયા (3) હીરાલાલભાઈ જગદીશભાઈ પરમાર (4) માંગીરામ જયપાલ પંધાલ (5) ચન્દ્રભુષણ બચુભાઈ જેસ્વાલ (6) સદામભાઈ અયુબભાઈ શાહમદાર (7) અકબરભાઈ સલીમભાઈ શાહમદાર (8) કામીલશા ઉર્ફે કાળુ અબ્દુલકરીમ બાનવા (9) શશીપ્રકાશસિંગ દસરથસિંગ ક્ષત્રીય (1) સોમુકુમાર વીરેન્દ્ર રામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે ફરિયાદી આનંદભાઈ વાઘડિયાએ જણાવ્યું હતું કે, મારું કારખાનું કુશો ગ્રેનિટો પ્રા.લી. વાંકાનેરના વઘાસિયા પાસે આવેલું છે. છેલ્લા સાત વર્ષથી કારખાનું ચલાવી રહ્યો છું. બે મહિના પહેલા આ કારખાનું મેં મારા વર્કિંગ પાર્ટનર આનંદભાઈ કૈલાને આપી દીધું હતું. આનંદભાઈ કૈલાને સ્થાનિક કોન્ટ્રાક્ટરને રૂપિયા આપવાના બાકી હતા. ગત 26 ડિસેમ્બરે હું મારા કામથી બહારગામ હતો ત્યારે મને ફોન આવ્યો હતો કે કેટલાક કોન્ટ્રાક્ટર અને અન્ય માણસો કે જેઓને કારખાના કે આનંદભાઈ કૈલા સાથે કોઈ લેવા દેવા ન હતા તેવા શખ્સોએ કારખાના પર આવી સિક્યુરિટી ગાર્ડની મનાઈ છતાં અંદર આવી તોડફોડ કરી હતી અને આઈશરમાં કારખાનામાં રહેલો મુદ્દામાલ લઈ જતાં હતા. પરંતુ સમયસૂચકતા વાપરીને સિક્યુરિટી દ્વારા 112માં ફોન કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે આવીને આ મુદ્દામાલ કારખાનામાં પરત રખાવ્યો હતો. જો કે આ શખ્સોએ કારખાનામાં અલગ અલગ ચાર વિભાગમાં કુલ 75 લાખ જેટલા નુકસાનની તોડફોડ કરી છે.