મોરબી: મોરબી શહેરમાં કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વુમન એમ્પાવરમેન્ટ મેગા કેમ્પ આજે ઉત્સાહભેર સંપન્ન થયો હતો. મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મવિશ્વાસ, સુરક્ષા, સ્વાસ્થ્ય અને સર્વાંગી સશક્તિકરણ પ્રદાન કરવાનો હતો.કેમ્પ દરમિયાન બહેનોને બે મહત્વના વિષયો પર પ્રેક્ટિકલ તાલીમ અને માર્ગદર્શન મળ્યું. મનીષભાઈ અગ્રાવત દ્વારા મહિલાઓને રોજિંદી પરિસ્થિતિઓમાં પોતાના બચાવ માટેની સેલ્ફ-ડિફેન્સની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી. આ ઉપરાંત, મોરબી જિલ્લા પોલીસ (SP કચેરી)માંથી PSI વ્યાસ દ્વારા ડિજિટલ સુરક્ષા, સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો વિષયક અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેને બહેનોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.સ્વાસ્થ્ય જાગૃતિના સેશનમાં પંચકર્મ હોસ્પિટલના ડૉ. હિરલબેન અને ડૉ. મમતાબેન દ્વારા બહેનોને રસોડામાંથી જ નાની-મોટી બીમારીઓ માટેના ઘરેલું ઉપાયો અને સ્વાસ્થ્ય સંભાળ અંગેની ઉપયોગી માહિતી આપવામાં આવી. સાથે જ, રાજદીપભાઈ પરમાર દ્વારા મહિલાઓના અધિકારો અને સામાજિક જાગૃતિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિ તરીકે મોરબીના આશ્રમનું સંચાલન કરતાં મહામંડલેશ્વર 1008 રત્નેશ્વરી દેવીએ પોતાની હાજરીથી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું અને બહેનોને આશીર્વાદ આપ્યા. આ કેમ્પમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર 15 પ્રેરણાદાયી બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું, જેમણે અન્ય મહિલાઓ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.આયોજક ટ્રસ્ટ દ્વારા તમામ સહભાગી બહેનોને સર્ટિફિકેટ અને કાયાપલટ તરફથી વિશેષ ગિફ્ટ આપવામાં આવી હતી. તેમજ અંતમાં નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મળેલા ફીડબેક અનુસાર, આ કેમ્પ મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારો અને અત્યંત ઉપયોગી સાબિત થયો છે. ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ આવા જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવાની ખાતરી આપવામાં આવી છે.