કુલ 19 વોરંટની બજવણી કરાઈ, જેમાંથી 15 આસામીઓએ સ્થળ પર જ વેરો ભરી દીધોમોરબી : મોરબી મહાપાલિકાએ બાકી વેરા મામલે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. વેરો ન ભરનાર 4 આસામીઓની કૉમર્શિયલ મિલકત મહાપાલિકા દ્વારા સિલ કરવામાં આવી છે. ઉપરાંત આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયુ છે.મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ પ્રકારનું ટેક્સનું બાકી ઉઘરાણું બાકીદારો પાસેથી વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મિલકત વેરા શાખાના કર્મચારીઓ શહેરમાં ઠેર ઠેર હાલ જે મિલકત આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને તા.03-01-2026થી વોરંટ બજવણી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 19 જેટલા મિલકત ધારકોને વોરંટની બજવણી કરવામાં આવી હતી. જેમાં 15 મિલકત ધારકો એ મિલકત વેરા શાખા ને બાકીવેરો સ્થળ પર જ ભરી આપ્યો હતો. જ્યારે 4 આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવતા તેમની કૉમર્શિયલ મિલકતને સીલ કરવામાં આવી હતી.મિલકત વેરા શાખા દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરનાર આસામી ઓને વોરંટ તથા સીલિંગની કામગીરી આગામી સમયમાં યથાવત રહેશે. આથી જે મિલકત ધારકોની મિલકત મોરબી મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં આવતી હોય મિલકત વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેમને સત્વરે મિલકત વેરો મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધી ચોક, તથા સિવિક સેન્ટરે સવારે 10:30 થી સાંજે 6:10 તથા તમામ 11 ક્લસ્ટર ઓફિસ ખાતે રજાના દિવસો સિવાય સવારે 10: થી 1:30 સુધી મિલકત વેરો ભરી શકાશે. તેમ મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખાની એક યાદીમાં જણાવાયુ છે.