GPCB દ્વારા 'સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી' પર સેમિનાર યોજાયો : સિરામિક વેસ્ટના રિસાયકલિંગ દ્વારા પર્યાવરણ જતન બાબતે મંત્રીઓ અને અધિકારીઓએ ઉદ્યોગકારો સાથે મંથન કર્યુંમોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત જ્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાજકોટ ખાતે આયોજિત રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા 'Circular Economy & Sustainability' વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સેમિનારમાં વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન ટેકનોલોજી દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસ સાધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 'સરકારે ઉદ્યોગોને વેસ્ટ મેનેજમેન્ટમાં મદદરૂપ થવા અને સસ્ટેનેબલ પ્રેક્ટિસ અપનાવવા માટે અનેક પ્રોત્સાહક નીતિઓ અમલી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંરક્ષણ માટે LIFE મિશનનો સંકલ્પ આપ્યો છે. પર્યાવરણની જાળવણી બાબતે કુદરત સાથે ચેડા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી આ બાબતે મિશન મોડ પર આપણે સૌએ મળીને કામગીરી કરવાની છે ગુજરાતની ગ્રીન ક્રેડિટ વધારવા આપણે સૌએ પ્રદૂષણ અટકાવી વૃક્ષો વાવી તેનું જતન કરવાનું છે.' સૌ ઉદ્યોગપતિઓને તેમણે સાથે મળી ઉદ્યોગના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપી સમાજને કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર ન થાય તે રીતે સંતુલિત વિકાસ કરવા તેમણે જણાવ્યું હતું.મંત્રીની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ માટે બી.એ. પ્રેરણા ક્લીન અર્થ પ્રાઇવેટ લિમિટેડ અને રાજકોટ એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ એલએલપી સાથે MoU કરવામાં આવ્યા હતા. GPCBના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના એક્સપર્ટ્સ દ્વારા ઉદ્યોગોને પ્રદૂષણ મુક્ત કરવા માટે મળતી વિવિધ સબસિડી અને સરકારી સહાયની યોજનાઓ વિશે ઉદ્યોગકારોને માહિતગાર કરાયા હતા.આ સેમિનારમાં ઉદ્યોગપતિઓ અને પર્યાવરણ વિજ્ઞાનીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનું રિસાયકલિંગ, SUP ના ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો, સિરામિક વેસ્ટ રિસાયકલિંગ અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ વિષયો પર ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક કચરાને કચરો નહીં પરંતુ 'રિસોર્સ' (સંસાધન) ગણી તેનું વૈજ્ઞાનિક રીતે રિસાયકલિંગ કરી ફરીથી ઉપયોગમાં લેવાની પદ્ધતિઓ પર ભાર મુકાયો હતો.સૌરાષ્ટ્રના આર્થિક કરોડરજ્જુ સમાન સિરામિક ઉદ્યોગમાંથી નીકળતા વેસ્ટના અસરકારક નિકાલ અને રિસાયકલિંગ માટેની નવીન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા કચરામાંથી કમાણી કરવા વેસ્ટનું વૈજ્ઞાનિક ઢબે રીડેવલપમેન્ટ કરવા વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ઉત્પાદન પ્રક્રિયામાં ઉર્જાની બચત, પ્રદૂષણમાં ઘટાડો અને પર્યાવરણલક્ષી અભિગમ અપનાવી 'ગ્રીન મેન્યુફેક્ચરિંગ' દ્વારા વૈશ્વિક બજારમાં સ્થાન મેળવવા આહ્વાન કરાયું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવ, GPCBના ચેરમેન આર.બી. બારડ, પ્રાદેશિક અધિકારીઓ, વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.