મોરબી: વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા સમાજના ધોરણ 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોરબી, વાંકાનેર, થાન અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી કુલ 180 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પરીક્ષા એમસીક્યુ બેઝ પર હતી અને તેનું આયોજન જીપીએસસી (GPSC) અને યુપીએસસી (UPSC) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પદ્ધતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ નોલેજ, વ્યાકરણ, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર જેવા તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આયોજકોએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી પરીક્ષાનું વાતાવરણ સુવ્યવસ્થિત રાખ્યું હતું. દરેક બેંચ પર એક વિદ્યાર્થીની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી અને જનરલ નોલેજની બુકો પણ વાંચી હોવાનું જણાવાયું છે.