સંયુક્ત કુટુંબમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતા દેરાણી-જેઠાણી અને સાસુમાનું સન્માન કરાયું મોરબી : ઉમા સંસ્કારધામ ખાતે સરડવા પરિવાર સ્નેહ મિલન સમિતિ દ્વારા મોરબી શહેરમાં વસતા સરડવા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહમિલન સમિતિના પ્રમુખ નરભેરામભાઈ માવજીભાઈ સરડવા (એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક)ની મંજૂરી લઈ કાર્યક્રમની શુભ શરૂઆતમાં રવિ રાંદલ માતાજીના દીપ પ્રાગટય અને આરતી દ્વારા કાર્યક્રમ સ્થળે નિયત સમયમાં પહોંચનાર પરિવારની બહેનો અને માતાઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વડીલો દ્વારા તેમના સંઘર્ષમય જીવનના અનુભવો પરથી પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારના નાનકડા ભુલકાઓ દ્વારા જુદા જુદા વિવિધ કાર્યક્રમ રજૂ કર્યાં હતા, જેમાં એકપાત્ર અભિનય, ભગવત ગીતાના અધ્યાય, દુર્ગા સ્તુતિ તેમજ કાલીઘેલી ભાષામાં પોતાના વક્તવ્ય આપીને કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના સભ્યોને મંત્રમુક્ત કરી દીધા હતા. આવા બાળકોને પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે સંયુક્ત કુટુંબમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી દેરાણી જેઠાણી તેમજ સાસુમાનું સાલ ઓઢાડીને સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક પહેલ એવી પણ કરવામાં આવી હતી કે જેમાં પરિવારના કોઈ સભ્યને કોઈ આકસ્મિક મદદની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો દ્વારા શક્ય થઈ શકે તેવી સામાજિક, આર્થિક અને માનસિક રીતે જરૂરિયાત મંદ પરિવારને મદદ કરવી. આ પહેલની કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના તમામ સભ્યોએ ઉમેળકાભેર સ્વીકારી લીધી હતી. છેલ્લે સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સમૂહભોજન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ અને સુધીરભાઈએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ સરડવા મણિભાઈએ કરી હતી.