બાઈક પર આવેલા બે શખ્સોએ એક રાઉન્ડ ફાયર કર્યું, ફરિયાદ પાછી ખેંચી લેવાનું કઈ ધમકી પણ આપતા ગયા હળવદ : હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં મોડી રાતના પલ્સર બાઈક પર આવેલા બે શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. બીજી તરફ બનાવના પગલે મોરબી એલસીબી તેમજ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પ્રધાનમંત્રી આવાસની બાજુમાં મોગલ માતાજીના ભુવા ફિરોજભાઈ સંધિની ગૌશાળા આવેલી છે. અહીં રાત્રિના સમયે બાઈક પર બે અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા અને ગૌશાળામાં કામ કરતા વ્યક્તિને કહેલ કે તારા ભુવાને કહી દેજે ફરિયાદ પાછી ખેંચી લે નહીંતર આ વખતે તો દરવાજા પર ફાયરિંગ કરીએ છીએ ફરિયાદ પાછી નહીં ખેંચે તો છાતી પર ફાયરિંગ કરીશું કઈ એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ બનાવને પગલે હળવદ પોલીસની સાથે મોરબી એલસીબી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફિરોજભાઈ સંધીએ દસ દિવસ પહેલા ધાંગધ્રાના બે વ્યક્તિઓ વિરુદ્ધ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હોય અને રૂપિયા પાંચ લાખની માંગણી કરતા હોય જેને લઇ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી શક્યતાઓ એવી પણ સેવાઈ રહી છે કે આ ઘટના પાછળ ધાંગધ્રાના એ બંને શખ્સો સંડોવાયેલા હોઈ શકે. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.