મોટાભાગના કામો સભ્યો જ રાખતા હોય કામની ગુણવત્તા ઉપર પ્રશ્નો : ડીઝલના બિલો પણ શંકાના દાયરામાં : ઓડિટ વગર જ વાઉચર ઉપર ચૂકવણા થતા હોવાની રાવહળવદ : હળવદ નગરપાલિકાના દરેક વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર ઘર કરી ગયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવશે. છતાં સ્થિતિમાં કોઈ સુધારો નહિ આવે તો હલ્લાબોલ અને તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો પણ કરવાનું કોંગ્રેસે એલાન કર્યું છે.આ અંગે હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલાએ જણાવ્યું કે હળવદ નગરપાલિકાની સામાન્ય સભા માત્ર ઔપચારિક રીતે જ મળે છે. 10 મિનિટમાં જ એજન્ડા વાંચીને મંજુર કરવામાં આવે છે. કારોબારીની સભા આજ સુધી મળી નથી. માત્ર કહેવા પૂરતી સહીઓ લેવામાં આવે છે. દરેક વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમે રેન્ડમ બિલો તપસ્યા હતા. જેમાં અનેક બાબતો શંકા ઉપજાવે તેવી છે. 2025માં જ્યારે બોડી ન હતી ત્યારે વહીવટદાર સાશન હતું. આ સમયે રૂ.1.49 લાખનું ડીઝલ દોઢ મહિનો ચાલ્યું હતું. એ જ ડીઝલ સાતમો મહિનો આવતા રૂ.2 લાખે પહોંચી ગયું. વધુમાં તેઓએ ઉમેર્યું કે સભ્યો, ચીફ ઓફિસર અને હોદેદારો વચ્ચે સંકલનનો અભાવ છે. પ્રજા કરોડોનો ટેક્સ ભરે છે. છતાં પાણી, રોડ, ગટર, સાફ સફાઈ સહિતના અનેક પ્રશ્નો છે. અરજદારો અને સભ્યોને પ્રશ્ન કરવા હોય તો કર્મચારીઓ હાજર હોતા નથી. ઇન્ટરનલ ઓડિટરની જગ્યા ખાલી છે. માત્ર વાઉચર રજૂ કરી બિલોની રકમ લેવામાં આવી રહી છે. મોટાભાગના સરકારી કામોમાં સભ્યો જ કામ લ્યે છે અને કમિશનો પણ ભરપૂર અપાઈ છે. જેથી કામની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉભા થાય છે. અમે ઉપરી કક્ષાએ રજૂઆતો કરીશું. છતાં નિરાકરણ નહિ આવે તો નગરપાલિકા કચેરીએ ધરણાં, હલ્લાબોલ અને તાળાબાંધી જેવા કાર્યક્રમો પણ કરીશું.