રૂ.9.36 કરોડના પ્રોજેકટથી પાણીની અનિયમિતતા સહિતના પ્રશ્નોનું નિરાકરણ આવશે : સિટી ઈજનેરમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશીપરા વિસ્તારમાં પીવાના પાણીની અનિયમિતતા તેમજ દુષિત પાણીની ફરિયાદ બહોળા પ્રમાણમાં આવતી હતી અને આ પીવાના પાણીની લાઈન જૂની જર્જરિત હાલતમાં હોય તેવું જાણવા મળેલ હતું. જે અંગે મોરબી મહાનગરપાલિકા દ્વારા લગત વિસ્તારનો વિગતવાર સર્વે કરાવીને તેના પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકારમાંથી રૂ.9.36 કરોડની સૈધાંતિક મંજુરી મળેલ હતી. આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.વિશીપરામાં વિસ્તારમાં વસ્તી વધારાના કારણે પાછળના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં જરૂરિયાત કરતા વધારે કલાકોનો સમય લાગતો, કેટલીક જગ્યાએ પૂરતા પ્રેસરથી પાણી ન મળતું અને રહેવાસીઓને નિયમિત રીતે પાણી ન મળે તેવી અનેક ફરિયાદો પ્રાપ્ત થતી હતી. આ પરિસ્થિતિને સુધારવા તથા વિસ્તારમાં પાણી પુરવઠાની કાર્યક્ષમતા વધારવા આ મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ રહી છે.આ યોજનાથી સમગ્ર વિશીપરા વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે અને સમાન પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. વધતી વસ્તી અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉદભવે તે માટે નેટવર્ક ઉભું કરાશે. જૂના DI/PVC પાઇપલાઇન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવી જુદી જુદી વ્યાસની DI પાઇપલાઈનનું નેટવર્ક નાખવામાં આવશે.વર્ષ 2021ના આંકડા પ્રમાણે વિશીપરા વિસ્તારમાં ટોટલ હાઉસહોલ્ડ્સ કનેક્શન 4103 છે. આ યોજનાથી વર્ષ 2056 સુધી પુરતું અને સારી કવાલીટી વાળું પાણી મળી રહશે. યોજના હેઠળ 35,311 મીટર DI પાઈપલાઈન નાખવામાં આવશે. તેમ મહાપાલિકાના સિટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.