રાજકોટમાં આયોજિત રિજનલ વાયબ્રન્ટ સમીટને પગલે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું : મિતાણા ચોકડીથી અમરસર ફાટક (વાંકાનેર)થી સીંધાવદરથી કુવાડવા તથા પડધરી વાળો રોડ વૈકલ્પિક રૂટ તરીકે જાહેરટંકારા : રાજકોટમાં રિજનલ વાયબ્રન્ટ સમિટ શરૂ થવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન પણ આવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તા.11થી પાંચ દિવસ સુધી મિતાણા ચોકડીથી બેડી ચોકડી સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવાયુ છે કે વડાપ્રધાન તા.11 જાન્યુઆરીએ રાજકોટ શહેરની મુલાકાતે પધારવાના છે તેમજ તા.11થી 13 જાન્યુઆરી સુધી રાજકોટ શહેરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે રીજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશના અનેક નામાંકીત ઉદ્યોગપતિ, VIP/VVIP મહેમાનો અને પ્રતિનિધિઓ પધારવાના છે. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે તેના માટે મીતાણા ચોકડીથી બેડી ચોકડી (રાજકોટ શહેર) તરફ આવવાના માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રવેશબંધી મુકવામાં આવી છે.બીજી તરફ ત્રણ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પહેલો રૂટ મીતાણા ચોકડીથી અમદાવાદ આવવા-જવા માટે મીતાણા ચોકડીથી અમરસર ફાટક (વાંકાનેર)થી સીંધાવદરથી કુવાડવા ગામથી રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર અવર-જવર કરી શકાશે. બીજો રૂટ મીતાણા ચોકડીથી રાજકોટ આવવા-જવા માટે મીતાણા ચોકડીથી અમરસર ફાટક (વાંકાનેર)થી સીંધાવદરથી કુવાડવા ગામથી ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ અવર-જવર કરી શકાશે. ત્રીજો રૂટ મીતાણા ચોકડીથી પડધરી થઈ ઘટેશ્વર ટી-પોઈન્ટથી નવા ૧૫૦ ફુટ રીંગ રોડથી કટારીયા ચોકડીથી રાજકોટ શહેર તરફ અવર-જવર કરી શકાશે. આ જાહેરનામું તા.11 જાન્યુઆરીના સવારે 8 વાગ્યાથી 15 જાન્યુઆરી રાત્રીના 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. સરકારી વાહનો, સબ વાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ રહેશે.