પીજીવીસીએલની ટીમોએ બે દિવસ ચલાવેલી ઝુંબેશમાં 64 કનેક્શનોમાં વીજ ચોરી થતી હોવાનું ખુલ્યુંહળવદ : હળવદ પંથકમાં પીજીવીસીએલ દ્વારા બે દિવસની ખાસ ચેકીંગ ઝુંબેશ ચલાવી હતી. જેમાં અંદાજે રૂ.44 લાખની વીજ ચોરી ઝડપાઇ છે. આ ચેકીંગને કારણે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પીજીવીસીએલની 34 ટિમો દ્વારા તા.6 અને 7 જાન્યુઆરીના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર, કોયબા, અજીતગઢ, ખોડ, મયાપુર, ચૂપની, ખેતરડી, માણેકવાડા, રાતભેર, ડુંગરપુર, શિવપૂર સહિતના ગામોમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 63 રહેણાંક કનેક્શનમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવતા આ કનેકશનોને રૂ.40.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે એક પાણીના ફિલ્ટર પ્લાન્ટના વાણિજય કનેક્શનના પણ વીજ ચોરી થતી હોવાનું ખુલતા તેને રૂ.4.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ કુલ 64 કનેક્શનોમાં ગેરરીતિ બદલ રૂ.44.56 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.