મોરબીમાં રિયલ એસ્ટેટમાં મંદીનું મોજું, એક વર્ષમા દસ્તાવેજ નોંધણીમાં 1672નો ઘટાડોમહાનગરપાલિકામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારમાં નવા પ્રોજેકટ અટકી પડયા, મકાન - ફ્લેટની ખરીદીમાં શૂન્યાવકાશમોરબી : મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ડેવલોપમેન્ટ પ્લાનના અભાવે બાંધકામક્ષેત્રે અભૂતપૂર્વ મંદી છવાઈ હોવાનું સામે આવ્યું છે. ડેવલોપમેન્ટ પ્લાન અમલી ન હોવા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરીના આકરા નિયમો અમલી બનતા તેની સીધી અસર વર્ષ 2025માં દસ્તાવેજ નોંધણી પર જોવા મળી હતી. વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 25885 દસ્તાવેજ નોંધણી થઈ હતી જેમાં ગત વર્ષની તુલનાએ 1672 દસ્તાવેજ નોંધણી ઘટી હોવાના આંકડા સામે આવ્યા છે.મોરબી નોંધણી નિરીક્ષક કચેરીના સતાવાર આંકડા મુજબ વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 25885 દસ્તાવેજની નોંધણી થઈ હતી. જેમાં 50 ટકા વેચાણ દસ્તાવેજ અને બાકીના અન્ય 50 ટકા લગ્ન નોંધણી, બાનાખત, મોર્ગેજ તેમજ અન્ય દસ્તાવેજની નોંધણી થઈ હતી. વર્ષ 2025મા દસ્તાવેજ નોંધણી થકી સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે 115.10 કરોડ અને નોંધણી ફી પેટે રૂ.17.36 કરોડની આવક થઈ હતી. જો કે, વર્ષ 2024માં એક વર્ષમાં 27557 દસ્તાવેજ નોંધાયા હતા અને સરકારને નોંધણી ફી પેટે 18.49 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે 121.55 કરોડની આવક થઈ હતી.મોરબીના બિલ્ડરોના જણાવ્યા મુજબ મોરબીમાં છેલ્લા એક વર્ષમાં જિલ્લા પંચાયતે ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી પ્રક્રિયા કડક બનાવવાની સાથે મહાનગર પાલિકા આવ્યા બાદ પણ ડેવલોપમેન્ટ પ્લાન એટલે કે, ડીપીઆર અમલી બનાવવામાં ન આવ્યો હોવાથી બાંધકામ મંજૂરી અને જીડીસીઆરના નિયમોને લઈ મહાનગર પાલિકાના કડક અભિગમને પગલે નવા બાંધકામ ઠપ્પ થઈ ગયા છે. સાથે જ નવા પ્રોજેકટ બંધ હોવાથી ખરીદદારો પણ ન હોય મોરબી જિલ્લામાં દસ્તાવેજ નોંધણીમાં 1672 થી વધુ દસ્તાવેજ ઘટયા હોવાનું સામે આવ્યું છે.મોરબીની તમામ દુઃખોની એક જ દવા ડીપીઆર : બિલ્ડર એસો. પ્રમુખમોરબી બિલ્ડર એસોસિએશન પ્રમુખ સંતોષભાઇ શેરસિયાએ દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો થવા અંગે જણાવ્યું હતું કે, મોરબીના ટ્રાફિક સમસ્યા, રોડ રસ્તા સહિતના વિકાસના દરેક કામમાં ડીપીઆર અવરોધ બની રહ્યો છે. નવો ડીપીઆર બનાવવામાં આવે તો તમામ સમસ્યાનો અંત આવી શકે તેમ છે.ડીપીઆરને કારણે બિનખેતી અને નવા પ્રોજેકટ અટકી ગયા હોવાથી હાલમાં બિલ્ડરો, ડેવલોપર્સ નવરા બેઠા છે અને ગ્રાહકોને પસંદગી મુજબના નવા પ્રોજેકટ આવતા ન હોય દસ્તાવેજ નોંધણી ઘટી છે.1972 બાદ સીરામીક નગરી માટે ડીપીઆર જ નથી બન્યોમોરબી બિલ્ડર એસોસિએશન પ્રમુખ સંતોષ શેરસિયા જણાવે છે કે, કોઈપણ શહેરનો વિકાસ ડીપીઆર ઉપર આધારિત હોય છે.જો કે, મોરબી કમનસીબ છે કે, અહીં 1972 બાદ ડીપીઆર પ્લાન બન્યો જ નથી આજે 53 - 54 વર્ષ જુના ડીપીઆર આધારે સિરામિક નગરીમાં વિકાસ કામ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં સરકારમાં અનેક રજુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને શહેરી વિકાસમંત્રીને પણ રૂબરૂ રજુઆત કરી મોરબી માટે સત્વરે ડેવલોપમેન્ટ પ્લાન અમલી બનાવવા માંગ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.વિકાસ રૂંધાતા મોરબીના શ્રીમંતવર્ગે અમદાવાદ - રાજકોટની વાટ પકડીમોરબીના બિલ્ડર્સ અગ્રણીઓ જણાવી રહ્યા છે કે, મોરબીના સંતુલિત વિકાસ અને સારા રોડ- રસ્તા અને અન્ય આનુસંગિક સુવિધાના અભાવે હવે શ્રીમંતવર્ગ મોરબી છોડી રહ્યો છે.પાછલા વર્ષોમાં મોરબીના અનેક કુટુંબ અમદાવાદ અને રાજકોટ સ્થાયી થઈ ગયા છે.બિલ્ડરો ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો ડીપીઆર સમયસર અમલી નહી બને તો એક સમય એવો આવશે કે જ્યારે મોરબીમાં મધ્યમ અને ગરીબવર્ગ જ બચશે.સિરામિક નગરીમાં નવા બે રિંગ રોડની માંગમોરબી બિલ્ડર્સ એસોસિએશન પ્રમુખ સંતોષભાઈ શેરસિયાએ જણાવ્યું હતું કે, મોરબીના નવા ડીપીઆર માટે સરકાર સાથે મુદ્દાસર રજુઆત કરી શહેરના ભવિષ્યનો ટ્રાફિક અને સંતુલિત વિકાસ માટે શહેર ફરતે એક નહિ પરંતુ બે નવા રિંગ રોડ બનાવવામાં માંગ કરી હોરીજેન્ટલ અને વર્ટિકલ વિકાસ માટે ટંકારા નજીક બીજો રિંગરોડ બનાવવા માટે માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.મોરબી જિલ્લામાં વર્ષ 2024 - 2025માં દસ્તાવેજ નોંધણીમહિનો વર્ષ 2024 વર્ષ 2025જાન્યુઆરી - 2068 2624ફેબ્રુઆરી - 2136 2158માર્ચ - 2878 3138એપ્રિલ - 1946 1966મે - 2554 2507જૂન - 2414 2039જુલાઈ - 2685 2316ઓગસ્ટ - 2223 1660સપ્ટેમ્બર - 2190 1945ઓક્ટોબર - 2510 1595નવેમ્બર - 1661 1848ડિસેમ્બર - 2292 2089કુલ - 27,557 25885