નાસા સહિતની સંસ્થામાં એલ.ઇ.કોલેજના વિદ્યાર્થીઓ છવાયા, કોલેજના હેરિટેજ બિલ્ડીંગને 108 કરોડના ખર્ચે રીનોવેશન કરી મૂળ સ્વરૂપ જાળવી રખાશેમોરબી : એક સમયે ઇજનેરી શિક્ષણ ક્ષેત્રે મોરબીનો દેશમાં ડંકો વાગતો હતો.1950ના દાયકામાં સમગ્ર ગુજરાતમાં માત્ર પાંચ જ ઇજનેરી કોલેજ હતી ત્યારે સૌરાષ્ટ્રની એલ.ઇ.કોલેજ નંબર વન ગણાતી હતી.આજે મોરબીની એલ.ઇ.કોલેજને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે કોલેજના ભૂતપૂર્વ છાત્રોના લેન્કો એસોસિએશન દ્વારા તા.9થી 11 જાન્યુઆરી કોલેજની પ્લેટિનમ સરેમની ઉજવવા ભવ્ય કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યા છે.જેમાં દેશભરમાંથી ટોચની હસ્તીઓ હાજર રહેશે.ગુજરાતમાં રાજા રજવાડા સમયે પણ સૌરાષ્ટ્રના દુરંદેશી ધરાવતા મહારાજાઓએ ટેક્નિકલ અને ઇજનેરીક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી હતી જેના ઉત્તમ ઉદાહરણ મોરબી, ગોંડલ અને જામનગર સ્ટેટમાં જોવા મળી રહ્યા છે ત્યારે આઝાદી પૂર્વે જ મોરબી સ્ટેટ દ્વારા ઇજનેરી અભ્યાસ માટેની વ્યવસ્થા સાથે ડિપ્લોમા કોર્ષ કરાવવામાં આવતા હતા.જેમાં વર્ષ 1951માં મોરબીમાં ડીગ્રી ઇજનેરી કોર્ષ શરૂ કરવાની શરતે મોરબી મહારાજાએ નજરબાગ પેલેસ તરીકે ઓળખાતો રાજમહેલ કોલેજ માટે અર્પણ કર્યા હતો. એ સમયનો નજરબાગ પેલેસ આજે એલ.ઇ.કોલેજ જ્યાં પહેલા બેસતી હતી તે હેરિટેજ બિલ્ડીંગ છે. એલ.ઇ.કોલેજની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થતાં કોલેજમાં અભ્યાસ કરી ગયેલા 2000થી વધુ છાત્રોના સંગઠન લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા તા.9થી 11 જાન્યુઆરી વિવિધ કાર્યક્રમો સાથે કોલેજના વર્તમાન છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવા,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના વિવિધ આયોજન ઘડી કાઢવામાં આવ્યા છે.મહત્વનું છે કે, વર્ષ 2001માં આવેલ ભૂકંપ બાદ એલ.ઇ.કોલેજનું હેરિટેજ બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થયા બાદ જોખમી બિલ્ડીંગના અમુક વિભાગ અન્યત્ર શરૂ કરાયા છે. આજે મોરબીની એલ.ઇ.ઇજનેરી કોલેજમાં સિવિલ, મિકેનિકલ સહિતની અલગ અલગ 12 બ્રાન્ચમાં છાત્રો અભ્યાસ કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. આજે પણ એલ.ઇ.કોલેજે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.એલ.ઇ.કોલેજનો ભવ્ય ઇતિહાસમોરબી એલ.ઈ. કોલેજના ઇતિહાસ વિષે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી આર.એન.જાડેજાએ જણાવ્યું હતું કે એલ.ઈ. કોલેજમાં વર્ષ 1951માં સૌરાષ્ટ્રની પ્રથમ ડીગ્રી ઇજનેરી કોલેજ શરૂ થઈ હતી. 1951માં એલ.ઇ. કોલેજમાં ડીગ્રી સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કોર્ષ શરૂ થતાં દર વર્ષ દરેક વિદ્યાશાખામાં 50 - 50 સ્ટુડન્ટને એડમિશન મળતા હતા.તે સમયે પાંચ વર્ષનો ઇજનેરી અભ્યાસક્રમ હોવાનું તેમજ સમગ્ર ગુજરાતમાં મોરબીની એલ.ઇ.કોલેજ નંબર વન રહેતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આઝાદી પહેલા 1940માં જ મોરબીમાં ટેલનીકલ અભ્યાસ કરાવાતો હતોઅભ્યાસ અને ટેકનોલોજીક્ષેત્રે મોરબીના રાજવી પરિવાર મોખરે રહયા હોવાનું ઇતિહાસમાં નોંધાયેલ છે. ત્યારે મોરબી સ્ટેટ દ્વારા 1940માં ટેક્નિકલ અને પોલી ટેક્નિકલ ડિપ્લોમાં ચાલુ કરવામાં આવ્યા હતા.જે બાદ વર્ષ 1950 - 51માં મોરબીમાં ડીગ્રી અભ્યાસક્રમ ચાલુ કરવાની શરતે એલ.ઇ.કોલેજને જગ્યા પણ મોરબીના રાજવીએ ફાળવી હોવાનું પણ ઇતિહાસમાં નોંધાયેલ છે.એલ.ઇ.કોલેજમાં હેરિટેજ બિલ્ડીંગને રૂ.108 કરોડના ખર્ચે રિસ્ટોરેશન માટે દરખાસ્તમોરબીની એલ.ઇ.કોલેજ નજરબાગ પેલેસ તરીકે ઓળખાતા બિલ્ડીંગમાં બેસતી હતી. જો કે, ધરતીકંપ બાદ જૂનું બિલ્ડીંગ જોખમી બનતા બંધ કરાયું છે. મોરબી માર્ગ અને મકાન વિભાગના ઈજનેર હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ મોરબી એલ.ઇ.કોલેજના જુના બિલ્ડીંગને રિસ્ટોરેશન માટે રાજ્ય સરકારે ખાસ યોજના બનાવી સર્વે સહિતની કામગીરી પૂર્ણ કરી છે જેમાં રૂ.108 કરોડના ખર્ચે જુના બિલ્ડીંગને મૂળ સ્વરૂપે જાળવી રાખી રિસ્ટોરેશન કરવા માટે દરખાસ્ત કરી છે. જો આ દરખાસ્ત મંજુર થશે તો આ કામગીરી માટે ઓછામાં ઓછા બે વર્ષનો સમય લાગે તેમ હોવાનું તેમને જણાવ્યું હતું.એલ.ઇ.કોલેજે કુલપતિ, ઉદ્યોગપતિની સાથે નાસાને આપ્યા વૈજ્ઞાનિકમોરબીમાં 75 વર્ષથી એકથી એક ચડિયાતા ઇજનેરોની ભેટ આપનાર એલ.ઇ.એન્જીનીયરીંગ કોલેજમાંથી અત્યાર સુધીમાં હજારો ઇજનેરો ઉત્તીર્ણ થઈ દેશ - વિદેશમાં પોતાનું ઇજનેરી કૌશલ્ય બતાવી રહ્યા છે. ભૂતકાળમાં અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ નાસાથી લઈ અલગ અલગ યુનિવર્સીટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવી રહ્યા છે જેમાં એમ.એસ.યુનિવર્સિટીના કુલપતિ અનિલ કાને, ભાવનગર યુનિવર્સિટીના વીસી ગાયત્રી ભટ્ટ, હર્ષા એન્જીનીયરીંગ ઇન્ટરનેશનલના હરીશ રંગવાલા અને રાજુભાઇ શાહ, અજંતા ઓરેવાના પ્રવીણભાઈ પટેલ સહિતના અનેક લોકોનો સમાવેશ થાય છે.ઇ.સ. 1880માં બન્યું હતું એલ.ઇ.કોલેજનું ઐતિહાસિક બિલ્ડીંગમોરબીમાં વિશ્વ પ્રસિદ્ધ એલ.ઇ.કોલેજ શરૂ થઈ તે પૂર્વે જ રાજવી પરિવારે અહીં ટેક્નિકલ શિક્ષણના પાયારૂપે ડિપ્લોમા કોર્ષ શરૂ કરાવ્યા હતા અને 1951માં લખધીરસિંહજી ઇજનેરી કોલેજ શરૂ કરવા માટે મહારાજા લખધીરસિંહજી જે રાજમહેલમાં રહેતા હતા તે નજરબાગ પેલેસ કોલેજને ભેટ આપ્યો હતો. આ નજરબાગ પેલેસ ઇ.સ.1880મા નિર્માણ પામ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આજે 145 વર્ષ બાદ પણ રાજાશાહી સ્થાપત્ય અડીખમ ઉભું છે.નોંધનીય છે કે, મોરબીના મહારાજાએ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ એરોડ્રામ બનાવી 19મી સદીમાં મોરબીથી મુંબઈ વચ્ચે વિમાની સેવા પણ શરૂ કરી હતી.અંબિકા એરલાઇન્સના નામે વિમાની સેવા ચાલુ હતી જેમાં વિમાન પર જય મોમાઈ અને મોરબી સ્ટેટના પ્રતીક ચિહ્નિત કરાયા હતા.