ગાંધીનગર : આજ રોજ 7 જાન્યુઆરીએ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતેથી રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત રાજ્ય યુવા ઉત્સવના વિજેતાઓને રાષ્ટ્રીય યુવા મહોત્સવ દિલ્હી ભારત મંડપમ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. જે માટે રાજભવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં સેન્ડ ઓફ સેરેમનીનું આયોજન કરાયું હતું.મહત્વનું છે કે, તારીખ 9 થી 12 જાન્યુઆરી સુધી દિલ્હી ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના સ્પર્ધકો વિવિધ સ્પર્ધાઓ જેવી કે લોકગીત, લોકનૃત્ય, ડેકલેમેશન, પેઈન્ટિંગ અને કાવ્યલેખન સહિતની સ્પર્ધાઓમાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય યુવા ઉત્સવમાં વિજેતા થયેલા સ્પર્ધકો આ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેશે, જે માટે આજે 7 જાન્યુઆરીના રોજ તમામ સ્પર્ધાના વિજેતાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા પાઠવી હતી અને રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ આજે ગાંધીનગરથી ગુજરાતના તમામ વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા દિલ્હી જવા રવાના થયા છે.