મોરબી: મોરબી-માળીયા (મીં)ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં ત્રણ દિવસ દરમિયાન મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.તેમણે તીથવા નજીક આવેલા પાંચાલ પ્રદેશ તરીકે ઓળખાતા ભંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને જલાભિષેક કર્યો હતો. આ સાથે જ ટેકરી પર આવેલા ઉમિયા માતાજીના મંદિરે પણ દર્શન કર્યા હતા. ભંગેશ્વર મંદિરના મુખ્ય ટ્રસ્ટી હંસરાજભાઈએ પાંડવોના આગમન, માતા કુંતાજી દ્વારા મહાદેવ મંદિરની સ્થાપના અને કૃષ્ણ ભગવાનના વિચરણ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, તેમણે મૌઢ વણિક અને મૌઢ પંડ્યા પરિવારના માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરીને ધાર્મિક પ્રવચન પણ કર્યું હતું.સામાજિક કાર્યક્રમોમાં, મેરજા મોરબી તાલુકાના નાની વાવડી ગામે પટેલ સમાજની વાડીમાં યોજાયેલ માં રમાનાથ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થયા હતા અને આધ્યાત્મિક હસ્તી નાથાલાલ જોશીના જીવન અને કવન અંગે પ્રેરક પ્રવચન આપ્યું હતું. મોરબીમાં લોહાણા બોર્ડિંગ ખાતે સરસ્વતી મહિલા મંડળ આયોજિત રામચરિત માનસ કથાનું શ્રવણ કર્યું હતું, જ્યાં તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું અને આયોજકો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. વળી, કડવા પાટીદાર કન્યા છાત્રાલયના પટાંગણમાં યોજાયેલ 'સરદાર કથા' માં ઉપસ્થિત રહીને સરદાર સાહેબ અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.રાજકીય અને લોકસંપર્કના ભાગરૂપે, તેમણે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક ચર્ચા કરી હતી. સવારની કકડતી ઠંડીમાં નાના ભેલા ગામે ગામની ભાગોળે તાપણું કરીને બેઠેલા ગ્રામજનો સાથે વાર્તાલાપ કરીને સ્થાનિક બાબતો અંગેની માહિતી મેળવી હતી. આમ, બ્રિજેશ મેરજાએ તેમના ત્રણ દિવસના આ ભરચક કાર્યક્રમ દરમિયાન ધનિષ્ઠ લોકસંપર્ક કેળવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.