મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોમાં પાર્કિંગની સુવિધા ન હોવા ઉપરાંત ઓટા અને બોર્ડનું રોડ ઉપર દબાણ હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે.મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયાએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલો કાર્યરત છે. આરોગ્ય સુવિધાની દ્રષ્ટએ હોસ્પિટલો હોવી સકારાત્મક બાબત છે. પરંતુ આ હોસ્પિટલો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે દર્દીઓ તેમના સગાઓ તેમજ વિસ્તારના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં એક પણ હોસ્પિટલમાં પૂરતી વાહન પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી છતા નિર્ભયપણે હોસ્પિટલો ચાલુ રાખવામાં આવી છે. દર્દીઓ, વૃદ્ધો, મહિલાઓ તેમજ ઈમરજન્સી કેસ લઈને આવતી એમ્બ્યુલન્સ માટે વાહન ઉભું રાખવાની જગ્યા ન હોવાના કારણે મુખ્ય જાહેર માર્ગ પર અવ્યવસ્થિત પાર્કિંગ થાય છે જેના કારણે સતત ટ્રાફિક જામ તથા અકસ્માતની સંભાવના રહે છે.આ હોસ્પિટલો દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ થી ચાર ફુટના ઓટા, રેમ્પ તથા મોટા બોર્ડ જાહેર રસ્તા સુધી બહાર કાઢી કબજો કરવામાં આવ્યો છે. જે મહાનગરપાલિકાના નિયમોનું સ્પષ્ટનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સાવસર પ્લોટ વિસ્તારમાં ગટરો સતત ઉભરાય છે. ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે તથા કચરાના ઢગલા રહેતા દુર્ગંધ અને રોગચાળો ફેલાવની ગંભીર શક્યતા છે. શહેરના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયેસર બાંધકામ સામે ડિમોલેશન જેવી કડક કર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હોસ્પિટલો સામે કાર્યવાહી ન થવાથી નિયમોની સમાન અમલવારી અંગે ગંભીર પશ્નો ઉભા થાય છે.