ફર્નિચર કામ કરતા યુવાને ત્રણ મહિના પહેલા કાલાવડની યુવતી સાથે કર્યા હતા મૈત્રી કરાર : યુવકે આપઘાત પૂર્વે વીડિયો બનાવ્યોમોરબી : મોરબીમાં બે દિવસ પૂર્વે ચોંકાવનારા કિસ્સામાં ફર્નિચર કામ કરતા યુવાન સાથે મૈત્રીકરારથી રહેતી સ્ત્રી મિત્ર પોતાના આગલા ઘરના સંતાનને મળવા ગયા બાદ પરત નહિ આવતા યુવાનને લાગી આવતા સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર બનાવ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતા હિતેશભાઈ મનસુખભાઇ ઘમ્મર ઉ.26 નામના યુવાને સોશિયલ મીડિયામાં લાઈવ વીડિયો કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના તપાસનીશ અધિકારી ભરતભાઇ દેથાએ જણાવ્યું હતું કે, મૃતક હિતેશભાઈ અગાઉ અમદાવાદ ફર્નિચર કામ કરતા હતા ત્યારે ત્રણેક માસ પહેલા મૂળ કાલાવડની ડિવોર્સ લીધેલ પરિણીતા સાથે સંપર્કમાં આવતા બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. જે બાદ હિતેશભાઈએ આ ડિવોર્સી પરિણીતા સાથે મૈત્રીકરાર કરી મોરબીના લાયન્સનગર ખાતે સાથે રહેતા હતા. દરમિયાન બે દિવસ પૂર્વે પરિણીતાએ પોતાના આગલા ઘરના પુત્રને મળવા જવાની ઈચ્છા વ્યકત કરતા ખુદ મૃતક યુવાન જ તેમને રાજકોટ મૂકી આવ્યો હતો.બીજી તરફ પોતાના આગલા ઘરના પુત્રને મળવા ગયેલ પરિણીતાને મૃતક હિતેશભાઈએ કોલ કરી પરત આવવા કહ્યું હતું. જો કે, કોઈપણ કારણોસર સ્ત્રી મિત્ર પરત નહિ આવતા હિતેશભાઈને લાગી આવતા સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો.