એક વંડામાંથી પથ્થરોના ઘા થયા : લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા, પોલીસ પણ ઘટના સ્થળેમોરબી : મોરબીના રાજપર ગામ નજીક રોડ ઉપર આજે રાત્રીના સમયે કોઈએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અનેક વાહનોને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રાજપર- ચાચાપર રોડ ઉપર રાજપર ગામથી એકાદ કિમિ દૂર રાધે રેસિડેન્સી સામે વંડામાંથી કોઈએ ઓચિંતો પથ્થરમારો શરૂ કર્યો હોવાની ઘટના બની છે. જેમાં 6થી 7 વાહનોને નુકસાન થયું છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. કોણે આ પથ્થરમારો કર્યો અને શું કારણોસર પથ્થરમારો કર્યો તે હજુ સામે આવ્યું નથી.પોલીસના જણાવ્યા અનુસાર ખેતરમાંથી પથ્થરોના ઘા થયા હતા. આ ખેતરમાં જઈ તપાસ કરી પણ કોઈ વ્યક્તિ મળી આવ્યા નથી.