પીવાના પાણીની લાઈનની કામગીરી નબળી, ખામીયુક્ત તથા અસંતોષકારક થઈ હોવાનો રહીશોનો આરોપહળવદ : હળવદના વોર્ડ નંબર 2માં જુની કોર્ટવાળી શેરીમાં પીવાના પાણીની લાઈનની નબળી, ખામીયુક્ત તથા અસંતોષકારક કામગીરીના કારણે પૂરતું તથા સ્વચ્છ પાણી ન મળતું હોવાથી સ્થાનિક રહીશોને વિશ્વાસમાં લેવામાં ન આવે ત્યાં સુધી પાણીની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરના બિલની ચુકવણી સ્થિગત રાખવામાં આવે તેવી રજૂઆત રહીશો દ્વારા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી છે.રહીશો દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, જુની કોર્ટવાળી શેરીમાં પીવાના પાણીની લાઈન બાબ તે કરવામાં આવેલી કામગીરી શરૂઆતથી જ શંકાસ્પદ, નબળી ગુણવત્તાની તથા અપૂર્ણ હોવાનું સ્પષ્ટપણે જણાય છે. આ બાબતે વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા લેખિત તથા મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી પૂરતું પાણી ઉપલબ્ધ થતું નથી. ઘણી વખત દુષિત અને ગંદુ પાણી પણ આવે છે. અનેક સ્થળોએ ભૂગર્ભ ગટર લાઈનના પાઈપ તૂટેલા અને ક્ષતિગ્રસ્ત હોવાના કારણે પીવાના પાણી સાથે ગટરનું પાણી ભેળવાઈ જાય છે. જેથી આરોગ્ય માટે પણ ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિ હોવા છતાં તંત્ર તથા જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી તકેદારી લેવામાં આવી નથી અને જાહેર નાણાનો દુરુપયોગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે. તેથી જ્યાં સુધી સ્થાનિક રહેવાસીઓને સંતોષકારક કામગીરી થયાનો વિશ્વાસમાં લેવામાં ન આવે અને નિયમિય સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પાણીની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરને કોઈપણ પ્રકારના બિલની ચુકવણી કરવામાં ન આવે. આ મામલે યોગ્ય તપાસ કરાવી જવાબદાર અધિકારી, કર્મચારી તથા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરામાં આવે. જો 15 દિવસની અંદર યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ શેરીવાસીઓ ઉચ્ચ અધિકારી, લોક ફરિયાદ મંચ તથા માનવીય અદાલત સમક્ષ યોગ્ય કાર્યવાહી માટે જઈશું તેમ જણાવાયું છે.