મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ કામગીરી દરમિયાન સિવિલ હોસ્પિટલ રોડ પર પંજાબ નેશનલ બેંકની સામે આવેલી દુકાનોના ઓટલા તોડી પડાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વેપારીઓએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને આ બાબતે યોગ્ય કરવા જણાવ્યું છે.વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, પંજાબ નેશનલ બેંકની સામે આવેલી મિલકતો તેમણે રાજવી પરિવાર પાસેથી ખરીદી હતી. તંત્ર દ્વારા થતાં વિકાસ કાર્યોમાં હંમેશા વેપારીઓ સાથ સહકાર આપે છે. પરંતુ આ વિકાસ કાર્યમાં વેપારીઓની કાયદેસરની મિલકતમાં કોઈપણ જાતની પ્રક્રિયા વગર દુકાન બહારના ઓટલા રાત્રિના સમયે તોડી નાખવામાં આવ્યા છે. જે વ્યાજબી નથી. તેમજ તંત્ર તરફથી વેપારીઓને કોઈ સાથ સહકાર મળતો નથી. દુકાન બહારના ઓટલા મોરબી સ્ટેટ પરિવાર પાસેથી વેપારીઓએ ખરીદ્યા છે. તેના આધાર પુરાવા પણ વેપારીઓએ રજૂ કર્યા છે. તેથી ઓટલાઓની જગ્યા છોડીને રોડની કામગીરી કરવામાં આવે અને આ બાબતે ઘટતું કરવામાં આવે તેવી વેપારીઓએ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.